આ કારણે ગુજરાતના વૈજ્ઞાનિક કરણ જાનીને USમાં ગરબામાં ન અપાયો પ્રવેશ!

અમદાવાદ- હવે વિદેશમાં પણ પરપ્રાંતિયોનો વિવાદ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ એક એવી ઘટના સામે આવી છે, જે દેશ બહાર વસેલા ગુજરાતીઓની નબળી માનસિકતા છતી કરે છે. અમેરિકા કે વિદેશમાં ગયેલા બધા સુધરેલા હોય તેવું માનવાને કોઈ કારણ નથી. કારણ ગુજરાતના જ લોકો ગુજરાતીઓ અને અન્ય ભારતીય પરંતુ અન્ય રાજ્યના તેમના મિત્રો સાથે ભેદભાવપૂર્વક વર્તે છે.

મૂળ વડોદરાના અને એસ્ટ્રો ફિઝિક્સમાં વિશ્વભરમાં ગુજરાતનું નામ ઉજ્જવળ કરનારા કરણ જાની નામના ગુજરાતી વિજ્ઞાનિક સાથે ભેદભાવની ઘટના બની છે.  અમેરિકાના જ્યોર્જિયા, એટલાન્ટામાં રહેતા 29 વર્ષના કરણ જાનીએ આરોપ લગાવ્યો છે કે, તે અને તેના ત્રણ મિત્રોને એટલાન્ટામાં એક ગરાબ કાર્યક્રમમાં માત્ર એટલા માટે પ્રવેશ ન મળ્યો, કારણ કે તેઓના નામ અને અટક હિન્દુઓ જેવા લાગતા ન હતાં.

કરણે ફેસબુકમાં કરેલી એક પોસ્ટ અનુસાર, તે છેલ્લાં 6 વર્ષથી એટલાન્ટામાં જ ગરબા કરવા માટે જાય છે, પરંતુ તેઓને આ પહેલાં ક્યારેય આવી તકલીફમાંથી પસાર થવું નથી પડ્યું. મેં તેઓની સાથે ગુજરાતીમાં પણ વાત કરી પરંતુ તેમણે અમને હિન્દુ માનવાનો ઇન્કાર કરી દીધો.

કરણે આ ઘટનાનો ઉલ્લેખ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ કર્યો છે. તેણે લખ્યું, એટલાન્ટાના શક્તિ મંદિરામાં મને અને મારાં મિત્રોને એન્ટ્રી ના આપી. કારણ કે, મારાં એક મિત્રનું નામ ‘વાળા’ અટકથી પુરું થાય છે અને આયોજકોને આ હિન્દુ સરનેમની માફક ના લાગ્યું.

તેણે એક ટ્વીટમાં જણાવ્યું કે, એક કાર્યકર્તાએ તેને કહ્યું કે, અમે તમારા કાર્યક્રમમાં નથી આવતા એટલે તમે અમારાં કાર્યક્રમમાં ન આવી શકો. જ્યારે એક મહિલા મિત્રએ કાર્યકર્તાને કહ્યું કે, તે કન્નડ-મરાઠી સમુદાયમાંથી છે, તો કાર્યકર્તાએ તેને ઓળખવાનો ઇન્કાર કરતા કહ્યું કે, તું ઇસ્માઇલી સમાજમાંથી આવતી હોય તેવું લાગે છે.

કરણના જણાવ્યા અનુસાર અમેરિકામાં પોતાના 12 વર્ષની કારકિર્દીમાં તેણે ક્યારેય આ પ્રકારના ભેદભાવનો સામનો નથી કર્યો, ત્યાં સુધી કે અમેરિકા પણ યોગ્ય રીતે વ્યવહાર કરે છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ઉલ્લેખ કરતાં પહેલાં કરણે શ્રીશક્તિ મંદિરને ઇમેલ પણ મોકલાવ્યો હતો. ત્યારબાદ એડમિનિસ્ટ્રેશને આ ઘટના માટે ખેદ વ્યક્ત કર્યો.

ઉલ્લેખનીય છે કે, કરણ દ્વારા 2016માં વૈજ્ઞાનિકોની ગુરૂત્વાકર્ષણ તરંગો પર શોધ કરતી એક ‘લિગો’ ટીમમાં સામેલ થયા હતા. તે મૂળ ગુજરાતના વડોદરા શહેરમાં રહે છે અને છેલ્લાં 12 વર્ષોથી તે અમેરિકામાં જ રહે છે. કરણ જાનીને તાજેતરમાં જ ‘ફોર્બ્સ 30-અંડર, 30 સાયન્ટિસ્ટ્સ’ ની યાદીમાં સમાવવામાં આવ્યા હતાં.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]