અમદાવાદઃ રાજ્યના પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કિન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છની મુલાકાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી હતી. તેમણે કચ્છમાં આ રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઇસોલેશન સેન્ટરની ભૂજની મુલાકાત પણ લીધી હતી. તેમણે ભૂજ આઇસોલેશન સેન્ટરની નિરીક્ષણ-મુલાકાત લઈ પશુધનને અપાઈ રહેલી સારસંભાળની જાણકારી મેળવી હતી. કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ પણ તેમની સાથે જોડાયા છે.
કચ્છમાં 37,840 પશુઓ લમ્પી સ્કિન ડિસીઝથી અસરગ્રસ્ત થયેલાં છે. આવાં અસરગ્રસ્ત પશુઓને ક્વોરોન્ટિન કરીને આઇસોલેશનમાં રાખવા માટે જિલ્લાના 10 તાલુકાઓમાં 26 જેટલાં આઇસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. આ આઇસોલેશન સેન્ટરમાં અસરગ્રસ્ત પશુઓની સારસંભાળ થઈ રહી છે.
કચ્છ જિલ્લાતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરીને જિલ્લામાં પશુઓના લમ્પી સ્કીન રોગના નિયંત્રણ માટે લેવાઈ રહેલા પગલાઓની સમીક્ષા કરી. કચ્છમાં પશુઓને સારવાર ઉપરાંત પશુના સઘન રસીકરણનો એક્શન પ્લાન તંત્રએ તૈયાર કર્યો છે. જિલ્લામાં રાજ્ય સરકાર તરફથી વેકસીનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવ્યો છે. pic.twitter.com/xiTqAjUITj
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 2, 2022
પશુપાલન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા કચ્છમાં લમ્પી સ્કિન ડિસીઝને વધુ ફેલાતો અટકાવવા અત્યાર સુધી સવા બે લાખથી વધુ પશુધનનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે.
કચ્છ જિલ્લાના ભુજ ખાતે લમ્પી સ્કીન ડીસીઝથી અસરગ્રસ્ત પશુધન માટેના આઈસોલેશન સેન્ટર તથા પશુ રસીકરણ કેન્દ્રની મુલાકાત લઈ પશુઓની દેખરેખ અને માવજતની કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું. પશુઓની સારવાર કરી રહેલા પશુ ચિકિત્સક અને અન્ય અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી. pic.twitter.com/haPUkThLEv
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 2, 2022
રાજ્યમાં જે 20 જિલ્લાઓનાં પશુધનમાં આ રોગચાળો જોવા મળ્યો છે, તે જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 10.6 લાખથી વધુ નીરોગી પશુઓનું રસીકરણ થયું છે. જિલ્લા કક્ષાએ આ હેતુસર છ લાખથી વધુ વેક્સિન ડોઝ પણ ઉપલબ્ધ છે.
મુખ્ય પ્રધાને જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. તેમણે જિલ્લાના પશુધનમાં આ લમ્પી સ્કિન ડિસીઝ વધુ ન ફેલાય એ માટે રોગ ફેલાવતા કીટકોના નિયંત્રણ માટેના પગલાં અને ઉપાયો વધુ સઘન બનાવવા સૂચન કર્યું હતું. તેમણે મૃત પશુઓના વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તેની તકેદારી રાખવા જિલ્લાના અધિકારીઓને તાકીદ કરી હતી.