CMનું નિવેદનઃ ‘વ્યવહાર કરો એટલે બધું પતી જાય’ હવે નહીં ચાલે, NA હૂકમો વિતરિત

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રુપાણી અમદાવાદમાં ઓનલાઇન એનએના 1 હજાર હુકમોનું વિતરણ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં તેમણે ઓનલાઇન પદ્ધતિ વિકસાવી સરકારી કચેરીઓનું વર્કકલ્ચર સમૂળગું બદલી દેવાની વાત કરતાં નિવેદન આપ્યું હતું કે મહેસૂલ ખાતુ સૌથી બદનામ ખાતું, ભ્રષ્ટાચારમાં બીજા નંબર પર પોલીસ ખાતું, વ્યવહાર કરો તો બધુ પતી જાય..એવી વાત હવે ભૂતકાળ બની જશે. તેમણે નાગરિકોને જન્મથી લઇને મૃત્યુ સુધીના દાખલાઓ સહિત સરકારમાંથી મેળવવાના થતા તમામ દાખલા-પ્રમાણપત્રો આગામી પાંચ વર્ષમાં ઓનલાઇન કરી દેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સીએમ દ્વારા ઓનલાઇન બિનખેતી NA હુકમોનું વિતરણ તેમજ વિવિધ મહેસૂલી કચેરી-ભવનોના લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં.  લાભપાંચમથી શરુ થયેલ ONLINE NA પ્રક્રિયા અન્વયે 1,000 NA હુકમોનું વિતરણ મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલની ઉપસ્થિતિમાં કર્યુ હતું.

સીએમે સ્વીકાર કર્યો કે ભૂતકાળમાં મહેસૂલ વિભાગ, પોલીસ વિભાગ એવા વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો હતો. લોકોની પૈસા આપ્યા વિના કામ ન જ થાય એવી માનસિકતા બની ગઇ હતી. આ આખીય વ્યવસ્થામાં 360 ડિગ્રી ચેન્જ લાવવાનું કદમ લઈ નવી વ્યવસ્થા અમે વિકસાવી છે. જમીન બિનખેતી NA કરવાની સમગ્ર પદ્ધતિને ઓનલાઇન કરવાનું આ ક્રાંતિકારી કદમ દૂરોગામી પરિણામો આપશે. જટિલ પ્રક્રિયાનું સરળીકરણ થઇ જતાં ૯૦ દિવસમાં થતી આ પ્રક્રિયા ૯ દિવસમાં પૂરી થઇ જાય છે. અગાઉ ૧૭ ટેબલે ફરતી NAની ફાઇલ હવે ૩ ટેબલે જ જાય છે અને  ONLINE NA હુકમ નિશ્ચિત સમયાવધિમાં મળી રહી છે.

તેમણે જમીનનું પ્રિમીયમ નક્કી કરવાની બાબતને પણ ONLINE કરવામાં આવી રહી છે તેનો સંકેત આપતાં સ્પષ્ટપણે કહ્યું કે, પારદર્શીતા સાથે ભ્રષ્ટાચાર રહિત અને સરળીકરણથી સરકારી પ્રક્રિયાઓ વિકસાવી ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી બિનજરૂરી વિલંબ, તૂમારશાહી દૂર કરવાની પ્રતિબધ્ધતા છે. NAની ONLINE સત્તાઓ અંગે કેટલીક જિલ્લા પંચાયતોના વિરોધ સામે નુકચેતીની કરતાં કહ્યું કે, ભ્રષ્ટાચાર ખાયકીની દુકાનો બંધ કરી દઇ સ્વચ્છ-પારદર્શી અને સરળ પધ્ધતિઓ પ્રજા માટે વિકસાવવામાં અમે કોઇ બાંધછોડ કરવાના નથી.

ગુજરાતમાં પ્રસ્તાવિત બૂલેટ ટ્રેન સંદર્ભે મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું કે, અમદાવાદ -મુંબઇ વચ્ચેના ૫૦૮ કિલોમીટરના માર્ગમા આવતા ૧૯૬ ગામની જમીન સંપાદન કરવાનું કાર્ય નિર્ધારીત સમયમાં કર્યું છે. જમીન સંપાદન માટેની પ્રક્રિયામાં શહેરોમાં બે ગણા અને ગ્રામ્ય વિસ્તારમાં ચાર ગણા પ્રવર્તમાન બજાર ભાવ આપવાનું સરકારે નક્કી કર્યું છે.

ગત વર્ષે ૧ લાખથી વધુ નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવામાં આવી હતી અને ચાલુ વર્ષે ૧ લાખથી વધુ નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવી છે. ૮ હજાર એકર સાંથણીની જમીન આપી છે. વહેંચણી, વારસાઇ, હક્ક દાખલ, હક્ક કમી વગેરે માટે કાયદામાં સુધારો કરી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ અવસરે મહેસૂલ વિભાગની ઓનલાઇન કામગીરીની તથા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરફેસી કાયદા, સૂચિત સોસાયટી કાયદા, રાત્રિ જનસંપર્ક અંગેની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી.