કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિશે રાજીવ ગાંધીએ કબૂલ્યું હતું, મોંઢા કેમ સિવાઈ ગયેલાં: CM

પોરબંદરઃ પોરબંદર ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ હાજરી આપી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં તેમના જ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કબૂલ્યું હતું કે, દિલ્હીથી ગરીબો માટે મોકલવામાં આવતો ૧ રૂપિયો ગરીબ સુધી પહોંચતા ૧૫ પૈસા થઇ જાય છે.

મુખ્યપ્રધાને જણાવ્યું કે આટલો વ્યાપક ભ્રષ્ટાચાર એ સમયે ચાલતો એવું ખુદ કોંગ્રેસના વડાપ્રધાને સ્વીકારેલું ત્યારે આ કોંગ્રેસીઓના મોઢા કેમ સિવાઇ ગયેલા ? ત્યારે ભ્રષ્ટાચાર સામે ધરણા કે આંદોલન કરવાનું તેમને કેમ સૂઝ્યું નહીં એવો સવાલ કરતાં પ્રધાને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શીતા અને સંવેદનશીલતા સાથે ભ્રષ્ટાચારરહિત સુશાસન આપી રહી છે. અમે બિનખેતી(એન.એ.)માં જે ભ્રષ્ટાચાર થતો એ દૂર કરી ઓનલાઇન એન.એ. કર્યું તેનો પણ કોંગ્રેસશાસિત જિલ્લા પંચાયતો વિરોધ કરી રહી છે કેમ કે, તેમની ભ્રષ્ટાચારની દુકાનો બંધ થઇ જવાની છે.