કરૂણા એનિમલ એમ્બ્યુલન્સઃ યુનિસેફ ગુજરાતની ટીમે કામગીરીનું નિરિક્ષણ કર્યું

ગાંધીનગરઃ ગુજરાત સરકારે તમામ જીવ પ્રત્યે કરૂણા દાખવીને મનુષ્યની જેમ પશુ-પંખીઓ માટે પણ ગત ઓક્ટોબર-૨૦૧૭ થી રાજયમાં ૧૯૬૨-કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે તાજેતરમાં ૬ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે.

સમગ્ર વર્ષ દરમિયાન રાજયભરમાંથી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે ૩૭,૬૭૨ ઇમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ સુધીમાં ૩૭ કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા ૨૫,૫૬૪ કોલ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પશુ-પંખીઓને બચાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત ૧૬ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૧૦૪ હેલ્થ હેલ્પલાઇનનું એક વર્ષ પૂર્ણ થયું. એક વર્ષ દરમિયાન ૩૧ ઓક્ટોબરની સ્થિતિએ આ ટીમ દ્વારા ૧૨,૧૨૩ કેસમાં જરૂરી મદદ પૂરી પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબર ૨૦૧૮માં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના હસ્તે વધુ ૨૫ નવી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીના નિરીક્ષણ માટે યુનિસેફ ગુજરાતની ટીમે પણ પ્રત્યક્ષ મુલાકાત લઇને વધુ વિગતો મેળવી હતી.