મહેસાણામાં ગેસ કનેક્શન સાથે પ્રેશર કૂકર આપી ગરીબોને સહાય….

મહેસાણાઃ ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણા ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપી હતી. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને લાભો પહોંચે તે માટે વચેટિયાઓને દૂર કરી સીધા પારદર્શી રીતે મળી રહે તે હેતુસર વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદીએ આ ગરીબ કલ્યાણ મેળાનો અભિગમ વિકસાવ્યો હતો.

તેમણે ઉમેર્યું કે, વર્ષ ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ,૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ લાખ મહિલા લાભાર્થીઓને પણ આવરી લેવાયા છે.

નાયબ મુખ્યપ્રધાન નિતીન ભાઇ પટેલે આજે જણાવ્યું કે આ મેળામા સાધન સહાય રૂપે ૪૯૫૪ લાભાર્થીઓને ચેક, કીટ, તેમજ સાધનો રૂપે અંદાજીત રૂ ૬૯૦.૨૯ લાખની સહાય હાથો હાથ પહોંચાડવામા આવી છે. તેમણે જણાવ્યું હતું કે દરેક નાગરીક સ્વમાનભેર પોતાનો રોજગાર શરૂ કરી શકે અને વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હેતુ રાજ્ય સરકારનો રહેલો છે.

નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે, રાજ્યના ગરીબી રેખા હેઠળના લોકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટે અને તેમનો સર્વાંગી વિકાસ કરી સ્વનિર્ભર બનાવવાના આશયથી આ વર્ષે રૂ. ર૦ હજાર સુધીની મર્યાદામાં આખા આંટાનું સિલાઇ મશીન, કડીયાકામની કીટ, પ્લમ્બર અને વેલ્ડરો માટે નવી ટેકનોલોજી પ્રમાણેના સાધનો તથા ખાસ કરીને મહિલાઓ રાજ્યની આર્થિક પ્રગતિમાં સ્વમાનભેર ભાગીદાર થાય તે માટે સખીમંડળોને રૂ. ૪૭૦૦૦ની મર્યાદામાં પેપર કપ, પેપર ડીશ, મસાલા યુનિટ, બ્યુટી પાર્લર, મસાજ વગેરે કીટની સહાય આપવામાં આવશે.

ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને આ વર્ષે ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને ગેસ કનેકશન તથા રસોઇ માટે સ્ટેનલેસ સ્ટીલનું પ લીટરનું પ્રેસર કુકર રાજ્ય સરકાર આપશે. આ સેવાયજ્ઞથી રાજ્યના ગરીબોના સશકિતકરણ અને આર્થિક ઉન્નતિનો વધુ ઉન્નત માર્ગ બની રહેવાનો છે.