ચારૂસેટની એલમ્ની ઋતુ અટાલિયા એમેઝોનમાં સાયબર સિક્યોરિટી એન્જિનિયર

ચાંગા: વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)ની  ભૂતપૂર્વ વિદ્યાર્થિની-એલમ્ની ઋતુ વિજયસિંહ અટાલિયા હાલમાં અમેરિકામાં વર્જિનિયામાં એમેઝોન  (AWS Security) કંપનીમાં છેલ્લા અઢી વર્ષથી ફેબ્રુઆરી 2020થી સાયબર સિક્યોરિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. અમેરિકામાં વર્જિનિયા સ્ટેટમાં હર્નડન સિટીમાં વસતી ઋતુ અટાલિયાએ 36 હજાર અમેરિકી ડોલરની ફૂલ સ્કોલરશીપ અને પેઇડ ગ્રેજયુએટ આસિસ્ટન્ટશીપ પ્રાપ્ત કરી છે.  એમેઝોન કંપનીમાં જોબ પ્રાપ્ત કરનાર અને વર્લ્ડ લેવલના સિક્યોરિટી એટેક હેન્ડલ કરનાર ઋતુ અટાલિયાએ દેશવિદેશમાં ચારુસેટનું ગૌરવ વધાર્યું છે.

ઋતુ અટાલિયાએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન ચારુસેટ યુનિવર્સિટીની ડેપસ્ટાર કોલેજમાં ‘સાયબર સિક્યોરિટી-સ્કોપ, કરન્ટ ટ્રેન્ડસ એન્ડ ફ્યુચર’ વિષે એક્સપર્ટ સેશનમાં ચારુસેટના એલમ્ની તરીકે અને ગેસ્ટ સ્પીકર તરીકે ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું.

ઋતુ અટાલિયાએ જણાવ્યું હતું કે મને વિવિધ વિષયો સાયબર સિક્યોરિટી એટેક્સ, સિક્યોરિટી સર્ટીફીકેશન્સ, સિક્યોરિટી ટૂલ્સ એન્ડ ટેકનોલોજીસ,  સિક્યોરિટી ફિલ્ડમાં કેરિયર સ્કોપમાં એક્સપર્ટ સેશન અને માર્ગદર્શન આપવા માટે ચારુસેટમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.  સેશન દરમિયાન કુશળ વિદ્યાર્થીઓ સાથે આદાનપ્રદાન અને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.  તે મારા માટે ગૌરવની બાબત હતી. મને ગેસ્ટ સ્પીકર તરીકે આમંત્રણ આપવા બદલ હું ડેપસ્ટારના પ્રિન્સિપાલ ડો. અમિત ગણાત્રા અને પ્રો. જેસલ દેસાઇનો આભાર માનું છું.  જ્યારે તમને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો અને મદદ કરવાની તક પ્રાપ્ત થાય છે અને સાયબર સિક્યોરિટી વર્લ્ડ વિષે માહિતી આપવાની તક મળે છે ત્યારે તમારામાંથી શ્રેષ્ઠતમ શક્તિ બહાર આવે છે. મને આશા છે કે મારા પ્રયાસો ચારુસેટના વિદ્યાર્થીઓની સાયબર જર્નીને આકાર આપવામાં માર્ગદર્શક સાબિત થશે અને  વિદ્યાર્થીઓની કારકિર્દીને ઘડવામાં મદદરૂપ થશે.

ઋતુ અટાલિયાએ  આ અગાઉ 2009-2013 દરમિયાન કોમ્પ્યુટર  એન્જિનિયરિંગમાં  બી. ટેક. ની ડિગ્રી ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાંથી મેળવી GTU ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. સન 2013-2015 દરમિયાન ચારુસેટ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં  એમ. ટેક. ની  ડિગ્રી કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.  ત્યાર  બાદ સન 2015 -2017  દરમિયાન ચારુસેટ યુનિવર્સિટીમાં CSPIT કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી. જોબ દરમિયાન તેઓએ અમેરિકા જવા માટે  એન્ટ્રન્સ એકઝામની તૈયારી કરતી હતી. GRE અને IELTS પરીક્ષાઓ પાસ કરી હતી. ત્યારબાદ ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીના આધારે  2017માં યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ કોલેજ પાર્ક, USAમાં  માસ્ટર ઇન  સાયબર સિક્યોરિટીનો અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ સાથે એડમિશન  મળ્યું. સન 2018 -2020  દરમિયાન યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ કોલેજ પાર્ક, USAમાં  માસ્ટર ઇન  સાયબર સિક્યોરિટીનો અભ્યાસ કરવા માટે 36 હજાર અમેરિકી ડોલરની ફૂલ સ્કોલરશીપ અને પેઇડ ગ્રેજયુએટ આસિસ્ટન્ટશીપ મળી હતી.  આ દરમિયાન અમેરિકામાં મેરીલેન્ડમાં  CISCOમાં જૂન થી ડિસેમ્બર 2019 દરમિયાન સાયબર સિક્યોરિટી ઈન્ટર્ન તરીકે પેઇડ ઈન્ટર્નશીપ કરી હતી.

હાલમાં ઋતુ અટાલિયા અમેરિકામાં એમેઝોન  (AWS Security) કંપનીમાં  ફેબ્રુઆરી 2020થી સાયબર સિક્યોરિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે.  આ કામગીરી અંતર્ગત AWS કોર્પોરેટ સિક્યોરિટી માટે Incident Response Security Engineer તરીકે કામગીરી દરમિયાન AWS કોર્પોરેટ ઇન્ફ્રા સ્ટ્રક્ચર, ડિવાઇસ વગેરે પર થતાં લાઈવ સિક્યોરિટી એટેક બાબતનું ધ્યાન રાખવું પડતું હોય છે. આ ઉપરાંત ડિજિટલ ફોરેન્સિક્સ, ઇન્સીડન્સ રિસ્પોન્સ, માલવેર એનાલિસિસ, રિવર્સ એન્જિનિયરિંગ, ઇન્ટ્રૂઝન ડિટેન્શન એન્ડ પ્રિવેન્શન વગેરે વિશે માહિતી રાખવી પડે છે.

ઋતુ અટાલિયા કહે છે કે અમેરિકામાં સાયબર સિક્યોરિટી ફિલ્ડમાં આગળ વધવા માટે  મને મજબૂત  શૈક્ષણિક પાયો ચારુસેટમાં પ્રાપ્ત થયો છે. મારા માસ્ટર્સ દરમિયાન લેબ વર્ક, પ્રેક્ટિકલ વર્ક, પ્રેક્ટિકલ નોલેજ, કોર્સ વર્ક, સબ્જેક્ટ, એક્સપર્ટ સેશન, ઈન્ટર્નશીપ વગેરેએ મારો બેઝ મજબૂત બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે.  આ ઉપરાંત રિસર્ચ લેબમાં જઈ મેડિકલ ડેટા સિક્યોરિટી વિષે રિસર્ચ કરવાની તક આપી હતી. મારી સાયબર સિક્યોરિટી જર્નીમાં આગળ વધવામાં ચારુસેટે મહત્વનો ભાગ ભજવ્યો છે. અહીંથી મને જીવનમાં આગળ વધવાની તક મળી. ચારુસેટ વિદ્યાર્થીઓને કારકિર્દીમાં આગળ વધવામાં પ્રેરણા આપે છે.  ચારુસેટ યુનિવર્સિટીએ મારી કારકિર્દી ઘડવામાં જે પ્રદાન અને સપોર્ટ આપ્યો છે તે ઋણ અદા કરવા માટે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે મને  મારું પ્રદાન આપવાનું અને ભારતની મુલાકાત દરમિયાન ચારુસેટના વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવાનું ગમશે.