મુંબઈ અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા છે. મહારાષ્ટ્રના પાલઘરમાં દેશના વડાપ્રધાનના કાર્યક્રમને લઇ ગઇકાલથી અમદાવાદ-મુંબઇ હાઇવે પર આજે રાત્રે 8 વાગ્યા સુધી ભારે વાહનોના આવાગમન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આજે વાપી-ભિલાડ હાઇવે પર લગભગ 10 કિ.મી. સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી. જિલ્લા પોલીસે ટ્રાફિકના નિયમન માટે હાઇવે પર આવેલી હોટલના પાર્કિંગ અને ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરાવ્યા હતા. નાના વાહનની અવરજવર ચાલુ રહી હતી.
હાઈવે પર લગભગ 10 કિ.મી. સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. લાંબા ટ્રાફિક જામના પગલે પોલીસ વિભાગ પણ દોડતું થયું હતું. પોલીસે હાઇવે પરથી ભારે વાહનોને હોટલના પાર્કિંગ તથા અન્ય ખુલ્લી જગ્યામાં પાર્ક કરાવ્યા હતા. જો કે નાના વાહનોની અવરજવર ચાલું રહી હતી. પોલીસ કર્મચારીઓએ ટ્રાફિકજામમાં ફસાયેલા ચાલક અને કલીનરોને ફુડ પેકેટ અને પાણીનું વિતરણ પણ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે આ ટ્રાફિકજામ મુંબઈના પાલઘરમાં PM મોદીના કાર્યક્રમને લઈ થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલા સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તે માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે. હું શિવજીના ચરણોમાં નમન કરું છું અને માફી માંગુ છું.”