અમદાવાદ: ચૈત્ર મહિનાની શરૂઆત થતાં જ શહેરના માર્ગો પર લીમડાનો મોર એટલે કે એની ફૂલમંજરીનું વેચાણ ઠેર ઠેર થતું જોવા મળે છે.
ઉત્સવો, તહેવારોમાં ચીજવસ્તુઓ વેચતા લોકો હવે ઋતુને માફક આવતી ઔષધિઓનું પણ વેચાણ કરવા માંડ્યા છે.
કુદરતી રીતે આંબળા, લીમડા, કુંવારપાઠુ જેવી અનેક ઔષધિ સ્વરૂપે આપણી આસપાસ ઉગતી વસ્તુઓ પહેલાં લોકો જાતે એકઠી કરી ઉપયોગમાં લેતા હતા. હવે આયુર્વેદિક સ્ટોર, આયુર્વેદાચાર્યો અને જાણકારી ધરાવતા લોકો જુદા જુદા સ્વરૂપે ‘પેકિંગ’ કરીને વેચી રહ્યા છે.
માર્ગો પર જ મોસમી વેપાર કરતાં લોકો પણ માર્કેટમાં અને લોકોની જરૂરિયાતોને જાણી ગયા છે. શહેર, ગામડાની આસપાસમાં થતાં લીમડાના પાન, ડાળીઓ અને ફૂલ-માંજરો-મોર તોડી એનો વેપાર કરવા માંડ્યા છે.
આયુર્વેદ પધ્ધતિ મુજબ લીમડાના પાન, છાલ અને ફૂલ માંજરો શરીરમાં થતી જુદી જુદી વ્યાધિઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)