અમદાવાદઃ ટેક્નોલોજી અને વિજ્ઞાન આપણા રોજિંદા જીવનના દરેક કામ સાથે વણાઈ ચૂક્યાં છે. દરેક નવી શોધ પાછળ વૈજ્ઞાનિકોનો અનેક મહિનાઓ અને વર્ષોનો સંઘર્ષ અને મહેનત રહેલાં હોય છે. પછી એ શોધ ભૌતિક હોય કે અંતરિક્ષ ક્ષેત્રની હોય. વિજ્ઞાન અને ટેક્નોલોજીના આપણા જીવનમાં પડેલા બહોળા પ્રભાવને ઉજાગર કરવા ‘વિશ્વ અંતરિક્ષ સપ્તાહ’ મનાવવામાં આવે છે.
ગુજરાત સાયન્સ સિટી અવારનવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનુ આયોજન કરતી રહે છે. ત્યારે સાયન્સ સિટીમાં, GUJCOST, SAC-ISRO અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ની ભવ્ય ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. “સ્પેસ અને ઉદ્યોગ સાહસિકતા” થીમ આધારિત આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે ઇસરોના ડિરેક્ટર ડો. નીલેશ દેસાઈ, સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે. બી.વદર અને ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં રાજ્યની વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ ઉજવણીના ભાગરૂપે સપ્તાહ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીમાં અવકાશ સંશોધન અને ટેકનોલોજી પર વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સ્પેસ પરેડ, સ્પેસ રંગોળી, સ્પેસ મ્યુઝિક, રોકેટરી વર્કશોપ, ક્વિઝ સ્પર્ધા, પેપર પ્લાન મેકિંગ, પોપ્યુલર સાયન્સ ટોક, સ્પેસ મુવીનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સ્વચ્છ ભારત, સ્વચ્છ અવકાશ વિષય પર વકતૃત્વ સ્પર્ધા અને મોડલ મેકિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે.