દર વર્ષે 20 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રિને 20 જુલાઈ,1969ના દિવસે ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂક્યો હતો. જેની યાદમાં 20 જુલાઈના દિવસે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સાયન્સ સિટીમાં પણ આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા SAC-ISROના ડાયરેક્ટર નીલેશ દેસાઈએ વિદ્યાર્થીઓને ચંદ્ર દિવસ પાછળનો ઈતિહાસ જણાવી અમેરિકા સહિતના અન્ય દેશોના અવકાશ મિશન વિશે માહિતી આપી હતી. ત્યાર બાદ ભારતમાં અવકાશ ક્ષેત્રે કામ કરતી સંસ્થા ઈસરોના ઈતિહાસ વિશે વાત કરીને ભારતના જુદા જુદા મિશન અંગે જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે રોકેટના જુદા જુદા પ્રકારો, સેટેલાઈટના જુદા જુદા પ્રકારો અને તેના ઉપયોગો તથા રડાર ટેક્નોલોજી અને તેની વિશેષતા વિશે પણ જાણકારી આપી. ત્સુનામી, ભૂકંપ વગેરે જેવી દુર્ઘટનાઓ વખતે સેટેલાઈટ કેટલા ઉપયોગી નિવડે છે તે અંગે તેમણે સમજાવ્યું. ભારતની સ્થિતિ, નેવિગેશન અને સમયની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને ઈસરોએ નાવીક સેટેલાઈટ સિસ્ટમ વિકસાવી છે. રેલવેના લાઈવ ટ્રેકિંગમાં, દરિયામાં માછીમારો માટે તે સિસ્ટમ કઈ રીતે ઉપયોગી છે અને કઈ રીતે કામ કરે છે તેના વિશે તેમણે વિસ્તારથી જણાવ્યું. સાથે સાથે ભારતના મહત્વના ગગનયાન મિશન વિશે પણ વાત કરી. ત્યાર બાદ અદાણી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ માટે હેન્ડ્સ ઓન એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીઓએ એકમથી પૂનમ સુધીના જુદા જુદા દિવસના ચંદ્ર કાગળ પર દોર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સાયન્સ સિટી અવારનવાર વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે.