અમદાવાદઃ ભારત આખામાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક સર સી.વી.રમનની રમન ઈફેક્ટની શોધના માનમાં આ દિવસને ઉજવવામાં આવે છે. સી.વી.રમનને તેમની આ શોધના કારણે 1930 માં નોબેલ પ્રાઈઝ મળ્યું હતું કે જે કોઈ ભારતીયને મળેલું પ્રથમ નોબેલ પ્રાઈઝ હતું.
ગણપત યુનિવર્સિટીના મહેસાણા અર્બન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા પણ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આના ભાગરુપે રાજ્યની વિવિધ યુનિવર્સિટી અને કોલેજોના 350 જેટલા વિદ્યાર્થીઓએ 28 વર્કિંગ મોડલ્સ, 27 નોન-વર્કિંગ મોડલ્સ, 36 જેટલી હેલ્ધી ફૂડ આઈટમ્સ, 28 પોસ્ટર્સ, 24 ઓર્ગેનિક રંગોળી અને 32 જેટલા સાયટૂન્સ રજૂ કરી સાયન્સ-ડેની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
