હોસ્પિટલમાં મહિલાઓના સીસીટીવી ફૂટેજ લીક કેસ, સાઇબર ક્રાઇમે તપાસની ગતિ તેજ કરી

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના સોનોગ્રાફી અને ગાયનેક ચેકઅપ દરમિયાનના ગુપ્ત સીસીટીવી ફૂટેજ યુટ્યુબ અને ટેલિગ્રામ પર અપલોડ કરવાના કિસ્સાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ મામલે અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી ત્રણ અલગ અલગ ટીમો રચી છે, જે વિવિધ રાજ્યોમાં તપાસ માટે રવાના થઈ ગઈ છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ અને મેઘા ડેમોસ ગ્રુપ નામની ટેલિગ્રામ ચેનલ પર હોસ્પિટલ, બાથરૂમ, જિમ અને અન્ય સ્થળો પરની મહિલાઓની ખાનગી ક્ષણોના વીડિયો વેચાણ માટે મુકવામાં આવતા હતા. આ વીડિયો 900 થી 3000 રૂપિયાની સબ્સ્ક્રિપ્શન ફી લઈને લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા. હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરીને આ વીડિયો પ્રાપ્ત કરાયા હોવાની શક્યતા છે. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના ડોક્ટર અમિત દવે દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે વાયરલ થયેલા કેટલાક વીડિયો તેમના હોસ્પિટલના જ છે. ડોક્ટરે કથિત રીતે દાવો કર્યો છે કે, કેમેરા હેક કરાયા હતા. જોકે, હોસ્પિટલના સત્તાધીશોનો લાચાર પ્રતિસાદ અને હાસ્યસ્પદ વલણને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

સાઇબર ક્રાઇમની ટીમો હાલ આ સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલના સંચાલકો સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ છે. ગુજરાત સહિત દેશભરમાં આ નેટવર્ક ફેલાયેલું હોવાની શકયતા છે. આરોગ્ય વિભાગે પણ તુરંત કાર્યવાહી હાથ ધરી છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ગોપનીયતા જળવાઈ રહે તે માટે સીસીટીવીના ઉપયોગ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ કિસ્સાએ તંત્ર અને નાગરિકોમાં ટેકનોલોજી દુરુપયોગ અંગે ચિંતાનું મોજું ઊભું કર્યું છે. મહિલાઓના અંગત પળોના શોષણ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.