વડોદરામાં વીજ ચોરી સામે ઝુંબેશ, 30 લાખની ચોરી પકડાઈ

વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ પાલિકા દ્વારા સંવેદનશીલ વિસ્તારોના માર્ગો ઉપરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી વચ્ચે MGVCLના માંડવી સબ ડિવિઝનમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વીજ ચોરી સામે દરોડા પાડવામાં આવ્યા હતા. વીજ કંપનીએ 625 વીજ કનેક્શન ચકાસણી કરી હતી. જેમાંથી 32 વીજ કનેક્શનોમાંથી રૂપિયા 30 લાખની વીજ ચોરી ઝડપાઇ હતી. આ ઝુંબેશના પગલે વીજ ચોરોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

સામાન્ય રીતે ઠંડીની સિઝનમાં વિજ ચોરીના બનાવામાં ઘટાડો થતો હોય છે. પરંતુ વડોદરા શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો હોવાનું ધ્યાને આવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના વડોદરા માંડવી સબ ડિવિઝન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મળેલી માહિતી પ્રમાણે, માંડવી સબ ડિવિઝનમાં આવતા 5 ફીડરમાં આવતા અને સંવેદનશીલ વિસ્તારો મનાતા હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકિંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસના બંદોબસ્ત સાથેની વિવિધ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીજ કંપની દ્વારા કુલ 625 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 32 જેટલા કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી. હાથીખાના ફીડર વિસ્તારમાંથી 3.82 લાખ સરસીયા તળાવ ફીડર વિસ્તારમાંથી – 7.42 લાખ, જ્યુબેલીબાગ ફીડર વિસ્તારમાંથી – 11.50 લાખ, ફતેપુરા ફીડર વિસ્તારમાંથી – 6.47 લાખ અને બાજવાડા ફીડર વિસ્તારમાંથી 83 લાખ મળી કુલ્લે રૂપિયા 30 ઉપરાંતની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. આ અંગે વીજ કંપનીની ટીમોએ વીજ અધિનિયમ મુજબની કાર્યવાહી કરી હતી.