ફી બાકી હોવાથી જાણીતી સ્કૂલે બાળકોના પરિણામ ન આપતાં હોબાળો

અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી અને શહેરની જાણીતી શાળા કેલોરેક્સ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. શાળા સંચાલકોની વધતી ફી મુદ્દે દાદાગીરીના પગલે આજે શાળામાં મોટી સંખ્યામાં વાલીઓ અને સંચાલકો સામસામે આવી ગયાં હતાં.

સૌ પ્રથમ તો શાળા સંચાલકોએ ફી ઘટવા છતાં વધુ ફી માગવાના આરોપમાં બાળકોના પરિણામ અટકાવી દીધાં હતાં. જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મૂકાયાં હતાં. વાલીઓએ પહેલા સંચાલકોને શાંતિથી રજૂઆત કરી હતી, પરંતુ કેલોરેક્સ સ્કૂલના સંચાલકોએ દાદાગીરી મામલો બીચક્યો હતો.

આ સ્કૂલે વર્ષની શરૂઆતમાં 32000 ફી લીધી હતી, તેમ છતાં FRCમાં સ્કૂલ 52000 ફી લેતી હોવાનો ઉલ્લેખ કરીને સંચાલકોએ વધુ ફી લેવાનો કારસો ઘડયો હતો. જો સામાન્ય રીતે કોઇ સ્કૂલ પોતાની નિયત કરેલી ફીમાં વધારો કે ઘટાડો કરે તો તેની જાણ વાલીઓને કરતી હોય છે. પરંતુ કેલોરેક્સ સ્કૂલે આવો કોઇ ઉલ્લેખ કે જાણ ન કરી અને આજે બાળકોના પરિણામ આપવાના દિવસે સંચાલકોએ અચાનક તમારા બાળકની ઉપરની ફી લેવાની બાકી છે, તમે ફી ભરો તો જ તમારા બાળકનું પરિણામ આપવામાં આવશે તેમ કહીને સ્કૂલના સંચાલકોએ મધપૂડો છેડ્યો હતો.

એફઆરસી ફાઈલ તસવીર

આ ઘટના વિશે જ્યારે વાલીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું તે, સૌ પ્રથમ સ્કૂલ દ્વારા આખા વર્ષની 32 હજારની ફી લેવામાં આવી હતી. અમને તે વખતે ઉપરની કોઇ ફીની વાત કરવામાં આવી નહોતી, આ સાથે સંચાલકો આજે જે વાત કહી રહ્યા છે, તેમ FRCમાં 52 હજાર ફી લેવાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.