ન્યૂઝીલેન્ડ મસ્જિદહુમલામાં પીડિતોના સ્વજનોને તાત્કાલિક વિઝા માટે સહાય…

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ન્યૂઝીલેન્ડમાં થયેલી ગોળીબારની ઘટનાને દુઃખદ ગણાવતાં કહ્યું કે,આ ઘટનામાં પ્રભાવિત થયેલા અને ન્યૂઝીલેન્ડમાં વસવાટ કરતા ગુજરાતી પરિવારોની સલામતી-સુરક્ષા પ્રબંધ અંગે તથા ઇજાગ્રસ્તો કે મૃત્યુ પામેલા વ્યકિતઓના કુટુંબીજનો ન્યૂઝીલેન્ડ જવા ઇચ્છતા હોય તો વિઝાની ઝડપી કાર્યવાહીમાં મદદરૂપ થવા રાજ્યના વરિષ્ઠ સચિવોને સૂચનાઓ આપી છે. આ ઘટનામાં દુઃખદ અવસાન પામેલા તથા ઇજાગ્રસ્તોના પરિવારજનોને જરૂરી મદદ પહોંચાડવા હાઇકમિશનરને અનુરોધ કર્યો છે.

આ ઉપરાંત નવી દિલ્હીમાં ગુજરાતના રેસીડેન્ટ કમિશનર આરતી કંવર પણ વિદેશ મંત્રાલય સાથે સંકલનમાં છે.રાજ્ય સરકાર આ હુમલાની ઘટનામાં અસરગ્રસ્તોને તમામ સહાયતા-મદદરૂપ થવા સંપૂર્ણ કટિબધ્ધ છે. મહત્વનું છે કે, ભારત સરકારના વિદેશ મંત્રાલયે દુઃખદ ઘટનાની આ વેળાએ કોઇ પણ પ્રકારની મદદ માટે ન્યૂઝીલેન્ડના ભારતીય હાઇકમિશનનો સંપર્ક કરવા બે ફોન નંબર જાહેર કર્યા છે. ૦૨૧૮૦૩૮૯૯ અને ૦૨૧૮૫૦૦૩૩ ફોન નંબર પર સંપર્ક કરીને પણ મદદ મેળવી શકાશે.