અમદાવાદઃ ઝાઈડસ ગ્રુપે તેની નવી બ્રાન્ડ ઓળખની જાહેરાત કરી છે. તેની કેડિલા હેલ્થકેર લિમિટેડ કંપની હવે ઓળખાશે ઝાઈડસ લાઈફસાયન્સીસ લિમિટેડ. ઝાઈડસ ગ્રુપ હેલ્થકેર ક્ષેત્રમાં 70 વર્ષ જૂની છે. તે ગ્લોબલ લાઈફસાયન્સીસ ક્ષેત્રની અગ્રગણ્ય કંપનીઓમાંની એક છે. ઝાઈડસ અનેક રોગો સામે રક્ષણ આપતી રસીઓ બનાવે છે. મેલેરિયાની સારવાર માટે તે ઝડપી અસર કરનારી અને સિંગલ ડોઝવાળી રસી બનાવે છે.
ઝાઈડસ લાઈફસાયન્સીસ લિમિટેડના ચેરમેન પંકજ આર. પટેલે કહ્યું કે, અમે કાયમ વિજ્ઞાન અને નવીનતા સાથે દર્દીઓને અનુકૂળ હોય એવા ઉકેલ લાવવામાં માનીએ છીએ. વૈવિધ્યપૂર્ણ અભિગમ અપનાવીને આરોગ્યસેવા ક્ષેત્રમાંના વૈશ્વિક સ્તરના પડકારોને પહોંચી વળવા અને તંદુરસ્ત સમુદાયોનું નિર્માણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ડો. શર્વિલ પટેલે કહ્યું કે અમારી નવી બ્રાન્ડ ઓળખ અમે જેના માટે પ્રચલિત છીએ તેનો એક સંગમ છે. અમારી વિશ્વસ્તરીય લાઈફસાયન્સીસ કંપની વિજ્ઞાન અને આધુનિક ટેક્નોલોજી તથા નવીનતા વડે દર્દીઓની સંભાળ લેવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. કાળજી, કરૂણા અને કટિબદ્ધતાના સ્તંભ કાયમ ઝાઈડસના હૃદયમાં જ રહેશે. કંપનીના લોગોમાંના હાર્ટ કંપનીની સમાવેશિતાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે નીલો અને જાંબુળી રંગ વિજ્ઞાન અને દર્દીઓની સંભાળના સ્તંભ છે.