ગુજરાતમાં ફરી એક વખત યાત્રાધામ પર જતા ભક્તોને ગોજારો એકસ્માત નડ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નોંધનીય છે કે 24 કલાકમાં સૌરાષ્ટ્ર પંથકમાં બીજો બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબીના હળવદ પાસે શ્રદ્ધાળુઓને ભરીને ધાર્મિક પ્રવાસે જઇ રહેલી બસ ગુલાંટી મારી જતાં 9 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે. જોકે સદનસીબે કોઇ હાનહાનિ સર્જાઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ગાંધીનગરના પોર ગામથી 56 જેટલા લોકો કચ્છ, ભુજ, અંજાર અને માતાના મઢ જઈ રહ્યા હતા. જે મોરબી જિલ્લાના માળિયા-અમદાવાદ હાઇવે રોડ ઉપરથી રાતના સમયે નીલગાય આડી આવતા બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. જે બાદ બસ રોડની સાઇડમાં ઉતરી જઇને પલટી ખાઇ ગઇ હતી. આ બસમાં બેઠલા 56 પૈકીનાં 9 લોકોને ઈજા થઈ હતી. જેમાંથી 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી અને એક ઇજાગ્રસ્તને રાજકોટ લઈ જવામાં આવ્યા છે. આ બનાવની હળવદ પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે. આ અકસ્માતના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી. અત્રે નોંધનીય છે કે આ અગાઉ સોમવારે વહેલી સવારે ભાવનગર-સોમનાથ હાઇવે પર ત્રાપજ નજીક રોડની સાઇડની ઉભેલા ડમ્પર સાથે બસ ટકરાતા 6 લોકોના મોત નીપજ્યા હતા અને 20 જેટલા લોકો ઇજાગ્રસ્તા થયા હતા.