અમદાવાદના રખિયાલ વિસ્તારમાં 15 મે, 2025ના રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી શરૂ થઈ. મોરારજી ચોક નજીક આવેલા કોમન ઓપન પ્લોટ પર 20થી વધુ કારખાનાઓ, દુકાનો અને નમાઝ માટેની જગ્યા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી હતી, જેને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવી. આ કામગીરી માટે 385થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2008માં પણ આ જગ્યા પર ડિમોલિશન થયું હતું, પરંતુ ત્યારબાદ ફરીથી ગેરકાયદેસર બાંધકામો થયાં. 1960ની મિલ મજૂરો માટેની સ્કીમ હેઠળ આ જગ્યા પર કોમન પ્લોટ રાખવામાં આવ્યો હતો, પરંતુ તેના પર શેડ અને કારખાનાઓ ઊભા થયા. ચંડોળા તળાવની જેમ, રખિયાલના આ બાંધકામોમાં પણ ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવ્યા, જેના કારણે વીજ પુરવઠા અંગે સવાલો ઊભા થયા છે.
ડિમોલિશન દરમિયાન આસપાસના લોકો ટોળે વળ્યા હતા. હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, આ જગ્યાને ખાલી કરીને ગેરકાયદેસર દબાણો હટાવવાનો હેતુ છે. આ કાર્યવાહીથી રખિયાલમાં કાયદેસર જગ્યાનો ઉપયોગ ફરી શક્ય બનશે.
