ગાંધીનગરઃ પંદરમી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી મળશે, એમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. લોકસભા ચૂંટણીને કારણે બજેટ સત્ર વહેલું શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભામાં રજૂ કરાશે.
સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ મુજબ પહેલી ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.
તેમણે કહ્યું હતું કે વર્ષ૨૦૨૪-૨૫નું બજેટ બીજી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માગ ઉપર ચર્ચા તેમ જ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ સત્રમાં ૨૬ બેઠકોમાં ચર્ચા થશે. આ સત્રમાં સરકારી વિધેયકો તેમ જ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પણ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમ જ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્રમાં દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના ૨૪ દિવસ રહેશે.