ગાંધીનગરઃ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનોએ બે વર્ષના સમયગાળા બાદ દિવાળી તહેવાર નિમિત્તે પાકિસ્તાન રેન્જર્સના સૈનિકો સાથે મીઠાઈ અને શુભેચ્છાની આપ-લે કરી હતી. બંને દેશના સીમારક્ષક જવાનોની આ શુભેચ્છા મુલાકાત ગઈ કાલે કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર યોજાઈ હતી. ગુજરાત સીમા પરના બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પાકિસ્તાન રેન્જર્સના જવાનોને આવકાર્યા હતા.
બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના ડેપ્યૂટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એમ.એલ. ગર્ગે કહ્યું કે, પડોશી દેશ સાથે સારા સંબંધ જાળવી રાખવા માટે બંને દેશના જવાનો દ્વારા આ શુભચેષ્ટા છે. આપણા રાષ્ટ્રીય રજાના દિવસો જેમ કે દિવાળી, 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ આપણા તરફથી અને ઈદ, 14 ઓગસ્ટ જેવા એમના આઝાદી દિવસ સહિતના તહેવારો વખતે તેઓ તરફથી આ રીતે મીઠાઈ અને શુભેચ્છાની આપ-લે કરવામાં આવે છે. તમામ બટાલિયન્સના કમાન્ડન્ટ્સ આવી આપ-લે કરે છે. પાકિસ્તાન સાથેની કચ્છ સરહદે અમારી ચાર બટાલિયન મૂકવામાં આવી છે.