બ્રિટનનો કેદી ગુજરાતની જેલમાં સજા પૂરી કરશે, જાણો શું છે મામલો

વર્ષ 2020માં, યુનાઇટેડ કિંગડમમાં 28 વર્ષની સજા પામેલા હત્યારાને ભારત-યુકે કરાર હેઠળ બાકીની સજા ભોગવવા માટે ગુજરાત લાવવામાં આવ્યો છે. ગુનેગારના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ બાદ યુકે સરકાર તેને ટ્રાન્સફર કરવા માટે સંમત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે સૌપ્રથમવાર વિદેશથી કોઈ આરોપીનું નહીં પરંતુ, કેદીનું પ્રત્યાર્પણ સ્વીકાર્યું છે. ભારતીય કેદીને લઈ દિલ્હી ઍરપૉર્ટ આવેલા બ્રિટિશ એસ્કોર્ટ અધિકારીઓએ ગુજરાત પોલીસને કેદીનું પ્રત્યાર્પણ કર્યું હતું. મંગેતરની હત્યાના ગુનામાં સજા પામેલા કેદી જીગુ સોરઠીએ પરદેશને બદલે સ્વદેશની જેલમાં બાકી રહેતી સજા કાપવા યુકેની કોર્ટમાં અરજી કરી હતી.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર કેદીને દિલ્હીથી સીધો સુરતની લાજપોર જેલ લાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનની લેસ્ટર કોર્ટે આરોપી જીગુ સોરઠીને તેની મંગેતરની હત્યા કરવાના કેસમાં દોષી ઠેરવ્યો હતો. આ સાથે જ તેને આજીવન કેદની સજા ફટકારી હતી. કેદીએ યુકેની કોર્ટ સમક્ષ તેની બાકી રહેતી સજા ઇંગ્લૅન્ડની જેલને બદલે ભારતીય જેલમાં કાપવા માટે અરજી કરી હતી. બ્રિટન સરકારે કેદીના પરિવાર બાબતે ભારત સરકાર પાસેથી વિગતો માંગી હતી. કેદીનો પરિવાર ગુજરાતમાં રહેતો હોવાથી તેને ગુજરાતની જેલમાં ટ્રાન્સફર કરવા નિર્દેશ થયો હતો.

શું છે આખો મામલો?

બ્રિટનમાં રહેતા મૂળ ભારતીય એવા 24 વષીય જીગુ કુમાર સોરઠીએ તેની મંગેતર ભાવિની પ્રવિણને લેસ્ટરમાં તેના ઘરે ચાર વખત ચાકુ મારતાં મોત થયું હતું. ભાવિનીના માતા-પિતા જીગુ સાથેના સંબધોથી વિરુદ્ધ હતા. સંબંધ આગળ વધે નહીં તે માટે ભાવિનીને સમજાવી રહ્યા હતા. બંને વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે તા. 2જી માર્ચે બપોરે ભાવિનીની તેના ઘરે જીગુ કુમારે હત્યા કરી હતી. જીગુ કુમારે પોતે હત્યાનો ઇન્કાર કર્યો હતો. જોકે, કોર્ટે તેને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે નોંધ કરી હતી કે, તે ભયાનક, ક્રૂર અને નિર્દય હત્યા છે.