અમદાવાદ: બ્રાન્ડના નિર્માણમાં કઈ બાબત નોંધપાત્ર ભૂમિકા ભજવે છે અને એક સાદી બ્રાન્ડ કેવી રીતે આઈકોનિક બ્રાન્ડ બની જાય છે? આ જાણવાનો જવાબ જો હા હોય તો “બ્રાન્ડ મેજીક: બ્રાન્ડના સફળ નિર્માણ માટેની કલા અને વિજ્ઞાન” એ પુસ્તક તમારે અચૂક વાંચવા જેવુ છે. પ્રો.એલન ડીસોઝા અને ડો. પ્રશાંત પરીક લિખિત આ પુસ્તકમાં અમૂલ, ફોગ, અને સિમ્ફની જેવી 10 શ્રેષ્ઠ બ્રાન્ડઝના નિર્માણ અને ઈતિહાસ અંગે વ્યાપક સંશોધન અને અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે અને દર્શાવવામાં આવ્યુ છે કે આ બ્રાન્ડઝ કઈ રીતે ભારતમાં અને કેટલાક કિસ્સાઓમાં વિશ્વમાં મોખરાની બ્રાન્ડઝ બની ગઈ છે.
પ્રો.એલન ડીસોઝા જણાવે છે કે “બ્રાન્ડીંગ એ માત્ર કલા નથી, વિજ્ઞાન પણ છે. અમે ગુજરાતની 10 ઉત્તમ બ્રાન્ડઝની કથા વ્યક્ત કરી છે કે જેમાં કલા અને વિજ્ઞાનનો સમન્વય થયો છે. આ પુસ્તક એ દર્શાવે છે કે આ બ્રાન્ડઝને રાજ્યના સ્તરે અને તે પછી રાષ્ટ્રીય સ્તરે અને તે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં માર્કેટીંગ કોમ્યુનિકેશન્સે કેવી રીતે મહત્વની ભૂમિકા બજાવી છે. આ બ્રાન્ડઝને ઉત્તમ બનાવવામાં કયા પરિબળોએ ભાગ ભજવ્યો છે. ”
આ પુસ્તકમાં જે અન્ય બ્રાન્ડઝ આવરી લેવામાં આવી છે તેમાં એસ્ટ્રલ પાઈપ્સ, વાઘબકરી ચા, બાલાજી વેફર્સ, હેવમોર, જીયો, રસના અને સુગર ફ્રીનો સમાવેશ થાય છે. આ દરેક બ્રાન્ડ સુસ્થાપિત અને સફળ બ્રાન્ડઝ છે. લેખકોએ પ્રથમ તો ગુજરાતની અગ્રણી બ્રાન્ડઝનો સર્વે કર્યો હતો એ પછી યાદી ટૂંકાવીને 10 બ્રાન્ડ પસંદ કરવામાં આવી છે. હવે બીજા તબક્કામાં અન્ય બ્રાન્ડઝને આવરી લેવામાં આવશે.
ડો. પ્રશાંત પરીક જણાવે છે કે ” માત્ર પ્રોડકટસ હોવા ઉપરાંત અમે પસંદ કરેલી દરેક બ્રાન્ડ સફળ બ્રાન્ડ બની છે. દરેક બ્રાન્ડ પોતાની કથા રજૂ કરે છે. આ કથાઓને સુસંગત બનાવે તેવી બાબત એ છે કે આ તમામ બ્રાન્ડઝ પ્રિમિયમ પોઝિશન ધરાવે છે અને વૃધ્ધિ પામતી રહી છે. તેમની કથામાંથી ઘણુ શિખવા જેવુ છે. અમને વિશ્વાસ છે કે આ પુસ્તક ઉભરતા ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને અન્ય માટે એક રસપ્રદ પુસ્તક બની રહેશે.”
બ્રાન્ડ મેજીકનુ વિમોચન ઈન્ડીયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટના (આઈઆઈએમ), અમદાવાદના ડિરેકટર એરોલ ડિસોઝાના હસ્તે શનિવાર તા. 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મેનેજમેંટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યુ હતું. આ પુસ્તકનુ પ્રકાશન એમઆઈ-પ્રેસ, માઈકા -ધ સ્કૂલ ઓફ આઈડીયાઝ દ્વારા કરવામાં આવ્યુ હતુ.