સૂરતઃ સૂરતમાંથી 21મા હ્યદયનું દાન કરવામાં આવ્યું છે. બ્રેનડેડ જાનવી તેજસભાઈ પટેલના પરિવારે જાનવીના હ્યદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવવામાં આવી છે. આ દિકરી કારની ડિક્કી પરથી પડી જતા તેનું બ્રેન ડેડ થયું હતું. ગ્રીન કોરીડોરની મદદથી યુવતીના હ્યદયને 269 કિલોમીટરનું અંતર કાપીને 107 મીનિટમાં મુંબઈ પહોંચાડાયું હતું.
મુંબઈમાં એક યુવાનના શરીરમાં આ હૃદયને મુકવામાં આવ્યું હતું. સૂરતમાંથી આ 21માં વ્યક્તિનું હ્યદય દાન કરવામાં આવ્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સ્વસ્તીક વિલા એપાર્ટમેન્ટમાં જાનવી પરિવાર સાથે રહેતી હતી. આ દીકરી ફેશન ડિઝાઈનનો અભ્યાસ કરીને ફેશન ડિઝાઈનર તરીકે પોતે કાર્ય કરતી હતી. પરંતુ ગત 17 તારીખના રોજ હેપ્પી હોમ રેસીડેન્સી સામે આવેલી એરીસ્ટા બિલ્ડીંગ પાસે જાનવીની કારની ડિક્કી પરથી નીચે પડી અને તેને માથામાં ગંભીર ઈજા પહોંચતા તે બેભાન થઈ ગઈ હતી. જાનવીને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને સારવાર કરી રહેલા ડોક્ટરો દ્વારા તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી.
ત્યારબાદ ન્યુરોસર્જન ડો. અશોક પટેલે ડોનેટ લાઈફના પ્રમુખને ટેલીફોનીક સંપર્ક કરી જાનવીના બ્રેનડેડ અંગે જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિમલ અગ્રવાલ સાથે રહીને જાનવીના પિતા, તેની માતા અને પરિવારના સભ્યોને ડોનેશનની જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યું.
હ્યદયનું દાન સ્વિકારીને ગ્રીન કોરીડોરની મદદથી યુવતીનું હ્યદય મુલુંડમાં આવેલી ફોર્ટીસ હોસ્પિટલ સુધીનું 269 કિ.મીનું અંતર 107 મિનિટમાં કાપીને 26 વર્ષીય યુવાન લાલજી ગેડિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
સુરતમાંથી અત્યાર સુધીમાં 21 હ્યદયનું દાન કરવામાં આવ્યું છે. 21 પૈકી 15 મુંબઈ, 3 અમદાવાદ, 1 ચેન્નઈ, 1 મધ્યપ્રદેશ, અને 1 હ્યદયનું દિલ્હીમાં દાન કરવામાં આવ્યું છે.
આ મામલે વાત કરતા જાનવીના માતાપિતાએ જણાવ્યું કે બનવાકાળ જે બનવાનું હતું તે બની ગયું છે. અમારી દિકરી બ્રેનડેડ થઈ છે અને તેનું મૃત્યું નિશ્ચિત જ છે ત્યારે તેનું શરિર બળીને રાખ થઈ જાય તેના કરતા તેના અંગોના દાન થકી કોઈકના લાડકવાયાને નવજીવન મળતું હોય તો અમે બધાને હાંકલ કરીએ છીએ કે તમે આગળ વધો.
હૃદય ડોનેશનની પ્રક્રિયાનો ધટના ક્રમ
- ૪:૦૦ કલાકે બ્રેનડેડ જાનવીને ડોકટરો દ્વારા ઓપરેશન થીયેટરમાં શીફ્ટ કરવામાં આવી.
- સવારે ૦૭:૨૭ કલાકે મુંબઈની ફોર્ટીસ હોસ્પીટલના કાર્ડિયાક સર્જન ડૉ. સંદીપ સિંહા અને તેમની ટીમ હૃદયનું દાન સ્વીકારી INS હોસ્પીટલથી એરપોર્ટ જવાના રવાના થયા.
- સવારે ૦૭:૪૧ કલાકે ડૉ. સંદીપ સિંહા અને તેમની ટીમ સુરત એરપોર્ટ પહોચ્યા.
- સવારે ૦૭:૪૭ કલાકે સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટમાં ડૉ. સંદીપ સિંહા અને તેમની ટીમ હૃદય લઇ મુંબઈ જવા રવાના થયા.
- સવારે ૦૮:૪૩ કલાકે ડૉ. સંદીપ સિંહા અને તેમની ટીમ મુંબઈ એરપોર્ટ પહોચ્યા.
- સવારે ૦૮:૫૦ કલાકે ડૉ. સંદીપ સિંહા અને તેમની ટીમ મુંબઈ એરપોર્ટથી મુલુંડમાં આવેલ ફોર્ટીસ હોસ્પિટલ જવા રવાના થઈ.
- સવારે ૦૯:૧૪ કલાકે ડૉ. સંદીપ સિંહા અને તેમની ટીમ ફોર્ટીસ હોસ્પિટલના ઓપરેશન થીયેટરમાં દાખલ થયા અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી લાલજી ખોડાભાઇ ગેડીયા ઉ.વ ૨૬માં ચીફ કાર્ડિયાક સર્જન ડૉ. અનવય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.