ગીર સોમનાથ: નલિયાના માંડવી ગામેથી સતત પાંચમાં દિવસે શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. ગામના રહેણાક વિસ્તારના એક મકાનમાંથી 192 જેટલા શંકાસ્પદ ખાદ્યતેલના ડબ્બા મળી આવ્યા છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેલનો જથ્થો પકડ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા ભેળસેળીયા તત્વો પર તવાઈ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ઉનામાં 10 સ્થળો પર દરોડામાં 2.24 કરોડનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. વધુ 3850 તેલના ડબ્બા સીઝ કરાયા છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગીર સોમનાથના ઉના પંથકમાં ભેળસેળ યુક્ત ખાદ્ય તેલનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. જેને લઈને પુરવઠા વિભાગ બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ તેલનો જથ્થો ભેળસેળ યુક્ત હોવાની આ આશંકા છે. નલિયા માંડવી ગામના જશરાજ ટાઉનશિપના રહેણાંક મકાનમાં તેલનો જથ્થો ઝડપાયો છે. આ રહેણાંક મકાનમાં છુપાયેલ 192 જેટલા શંકાસ્પદ તેલ ભરેલ ડબ્બા મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે કે આ તેલનો જથ્થો ગઈકાલે પકડાયેલ નરેન્દ્ર કોટક, રહે. ઉના વાળાનો છે. જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ટીમે તેલનો જથ્થો ઝડપી ઉના મામલતદારને જાણ કરી છે. બાતમી આધારે પોલીસે રેડ કરી હતી આ ઉપરાંત ઘટના સ્થળ પરથી 400 જેટલા શંકાસ્પદ હાલતમાં તેલ ભરેલ ડબ્બાઓ મળી આવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી ઉના તાલુકામાં ડુપ્લીકેટ તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી નવાબંદર મરીન પોલીસે કરતા તંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.