ખેડાના મહેમદાવાદ પાલિકાના ચૂંટણી પરિણામ બાદ ભાજપના ઉમેદવાદની જીતની ઉજવણી વિવાદમાં આવી છે. અહીં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા અને જીતની ઉજવણી કરી હતી. આ ઘટના મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલની હોવાનું જણાવાઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર, મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા. જીતની ઉજવણી કરતા ટોળામાં ભાજપના ખેસવાળા કાર્યકર પણ જોવા મળ્યાં હતા. જો કે પોસ્ટર ફરકાવનારની પોલીસે અટકાયત કરવામાં આવી છે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ખેડા જિલ્લાની છ પાલિકા તથા ત્રણ તાલુકા પંચાયતની 175 બેઠકોની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે મતગણતરી હાથધરાઈ છે. જિલ્લામાં 314393 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને 498 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કર્યાં હતાં. ખેડા જિલ્લાની ડાકોર, ખેડા, ચકલાસી, મહેમદાવાદ અને મહુધા નગરપાલિકાની 121 બેઠકો, કપડવંજ પાલિકાના વોર્ડ નં.2 અને વોર્ડ નં. 6ની કુલ બે બેઠકો, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની 50 બેઠકો તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની હલધરવાસ અને મોદજ બેઠક મળી કુલ 175 બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું.
