ભાજપની ગુંડાગીરી નહીં ચલાવી લેવાયઃ એનસીપી નેતા

રાજકોટઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના જાહેર કરવામાં આવેલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે એનસીપીનાં રેશ્મા પટેલ અને ભાજપનવા ઉદય કાનગડ વચ્ચે કલેક્ટર ઓફિસમાં જીભાજોડી થતાં રેશ્મા પટેલને ટિંગાટોળી કરીને બહાર કાઢી મૂકવામાં આવ્યાં હતા.

એનસીપીના રેશ્મા પટેલે અધિક કલેક્ટરને કહ્યું હતું કે તમે આવો ભેદભાવ રાખો છો એ અમે નહીં ચલાવી લઈએ. રાજકોટમાં વોર્ડ નંબર-13ના ઉમેદવારોનાં ફોર્મ ભરાતાં હતાં એ વખતે રેશ્મા પટેલે મેન્ડેટ માટે બોલાચાલી કરી હતી.. રેશ્મા પટેલે અધિક કલેક્ટરની કચેરીમાં કહ્યું હતું કે સાહેબ, હું તમને રિકવેસ્ટ કરું છું કે ભાજપની દરેક જગ્યાએ ગુંડાગર્દી નહીં ચાલે. અમે તમારા માટે માન રાખીએ છીએ અને તમે આવો ભેદભાવ રાખો છો એ અમે નહીં ચલાવી લઈએ.

રેશ્મા પટેલે કહ્યું, તમે શાંતિથી વાત કરો, અવાજ નહીં. મહત્ત્વનું છે કે ભાજપ દ્વારા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. દરમિયાન રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે જૂની કલેક્ટર કચેરીમાં જ બોલાચાલી થઈ હતી, જેમાં મામલો વધારે ઉગ્ર બનતાં રેશ્મા પટેલને ટીંગાટોળી કરીને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યાં હતાં. રેશ્મા પટેલે આરોપ લગાવ્યો કે ઉદય કાનગડે તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. તેમણે ભાજપ દ્વારા મહિલાઓના અપમાનનો પણ આરોપ લગાવ્યો હતો.