અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહ છ દિવસના રાજ્યના પ્રવાસે છે. તેમના ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે 26 ઓક્ટોબર સુધી તેઓ ચારેય ઝોનમાં અલગ-અલગ દિવસે પ્રવાસ કરશે અને ઝોન પ્રમાણે સ્થાનિક નેતાઓ, સક્રિય કાર્યકરો સાથે મુલાકાત કરશે. જેમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. રાજ્યની વિધાનસભાની આગામી ચૂંટણીમાં પાર્ટી નવા ચહેરાઓને 25 ટકા ટિકિટ આપશે. જોકે ઉમેદવારની જીતની ક્ષમતા પર વિચાર કરવામાં આવશે. વડોદરામાં પત્રકારોની સાથે અનૌપચારિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ટિકિટ આપવા માટે ઉમેદવારની જીતની ક્ષમતાનો એકમાત્ર માપદંડ છે. પાર્ટીનું સંસદીય બોર્ડ ઉમેદવારોને અંતિમ રૂપ આપશે, પણ પાર્ટી નવા ચહેરાને કમસે કમ 205 ટકા ટિકિટ આપશે. ચૂંટણીમાં પાર્ટી 45થી 46 નવા ચહેરાઓને ટિકિટ આપશે.
તેમણે જણાવ્યું હતું કે જો અન્ય ઉમેદવારોની અપેક્ષા જીતવાની ક્ષમતા હશે તો પક્ષ ત્રણ-ચાર વખતથી ચૂંટાયેલા ઉમેદવારોને ટિકિટ આપે એવી શક્યતા છે. રાજ્યમાં વિધાનસભાની 182 બેઠકો છે. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી.
આ ચૂંટણીમાં ‘આપ’ની હાજરી પર ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં પક્ષોના મત વહેંચાઈ જાય એટલે અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં ઊતરતા હતા. આ વખતે એ ‘આપ’ દ્વારા બદલાશે. અપક્ષ ઉમેદવારો ગંભીરતાથી ચૂંટણી નથી લડતા, પણ મત ગણતરી સુધી ‘આપ’ ગંભીરતાથી ચૂંટણી લડશે.
તેમણે જણાવ્યું હતું કે ‘આપ’ કોંગ્રેસના મતોમાં ગાબડું પાડશે. એનાથી ભાજપને લાભ થશે. તેમણે જણાવ્યું હતું કે ગઈ ચૂંટણીમાં ભાજપે 5000થી ઓછા અંતરની સાથે આશરે 35 બેઠકો જીતી હતી. વર્ષ 2022ની ચૂંટણીમાં ‘આપ’ની ઉપસ્થિતિમાં 35 સીટોમાં જીતનું અંતર વધશે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે અને લોકો ભાજપને સત્તામાં લાવવા માટે મત આપશે અને કોંગ્રેસ વિપક્ષમાં રહેશે.