અમદાવાદઃ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે આંતર મંત્રાલયની કેન્દ્રીય ટીમ (IMCT) ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી છે. આ સાત સભ્યોની બે ટીમ ચોથી ઓગસ્ટ સુધી ‘બિપરજોય’ વાવાઝોડા પ્રભાવિત કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠાની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-NDMAના સંયુક્ત સચિવ અને IMCTના ટીમ લીડર હર્ષ ગુપ્તા તેમ જ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં ગઈ કાલે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા જૂનમાં આવેલા બિપરજોય વાવાઝોડાથી રાજ્યને રૂ.1797.82 કરોડનું નુકસાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.આ ટીમ સમક્ષ રાજ્ય સરકાર દ્વારા બિપરજોય વાવઝોડાથી ગુજરાતમાં થયેલા નુકસાનનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વીજળી અને તેને લગતી સેવાને રૂ. 909 કરોડથી વધુનું નુકસાન થયુ છે. રોડ અને બિલ્ડિંગ વિભાગને રૂ. 702 કરોડનું નુકસાન થયુ છે. પોર્ટ અને ટ્રાન્સપોર્ટને રૂ. 72.72 કરોડનું નુકસાન થયુ છે તો કૃષિને રૂ. 20 કરોડના નુકસાનની રજૂઆત કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાથી કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 443 ગામની 19.16 લાખથી વધુ વસતીને અસર થઈ હતી.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે બિપરજોય વાવાઝોડાની કેન્દ્રીય ટીમ સમક્ષ માહિતી આપતાં કહ્યું હતું કે . આ વાવાઝોડાથી બચવા પહેલાં અને પછી યોગ્ય તૈયારી કરવાથી એક પણ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો નથી તે સરકારની ઉપલબ્ધિ છે. બિપરજોય વાવાઝોડાના કારણે મુખ્યત્વે રસ્તા, વીજળી, કૃષિ પાક, મકાનો, વૃક્ષો, બંદરો વગેરેને થયેલા નુકસાનનું યોગ્ય વળતર કેન્દ્ર સરકાર આપશે.