ગાંધીનગર: રાજ્ય સરકારે ધોરણ 3થી 8 અને ધોરણ 9 તથા 11ની પરીક્ષા પદ્ધતિમાં ઘરખમ ફેરફાર કર્યો છે. જે પ્રમાણે હવે એપ્રિલ 2020થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી બોર્ડની પરીક્ષા એટલે ધો. 10-12ની જેમ જ ધો. 3થી 8 અને ધો.9,11માં છ માસિક અને વાર્ષક પરીક્ષામાં પ્રશ્નપત્ર કેન્દ્રિય પદ્ધતિથી એટલે કે આખા રાજ્યમાં સમાન પ્રશ્નપત્ર રહેશે. આ સાથે ઉત્તરવહીનું મૂલ્યાંકન શાળાનાં શિક્ષકોને બદલે અન્ય શાળાનાં શિક્ષકો કરશે. જો કે, આ વિદ્યાર્થીઓની પરીક્ષા તો તેમની શાળામાં જ લેવાશે.
પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચત્તરની સ્વનિર્ભર સહિતની તમામ શાળાઓએ ફરજિયાત ગુજરાત સરકાર માન્ય પુસ્તકોમાંથી જ શિક્ષણ આપવાનું રહેશે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે, રાજ્યની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા 1.5 કરોડ વિદ્યાર્થીઓની પરીક્ષા પધ્ધતિમાં સરકારે આગામી નવા શૈક્ષણિક વર્ષથી કર્યો છે. આ પહેલા સરકારે સંચાલકો,શિક્ષકો સાથે બેઠક કર્યા પછી તેમની લેખિત સહમતી લઇને નિર્ણય કર્યો છે.
રાજ્ય સ્તરેથી ધોરણ 3થી 10 ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનાં સમાન પ્રશ્નપત્રો આપવામાં આવશે. જ્યારે ધો-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તથા અંગ્રેજી અને સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી, નામાના મૂળ તત્ત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સમાન પ્રશ્નપત્રો આપવામાં આવશે. જિલ્લાની તમામ પ્રાથમિક સ્કૂલોમાં પેપર છપાવીને મોકલવાની જવાબદારી ડીપીઈઓની રહેશે. જ્યારે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં ડીપીઈઓ દ્વારા પેપર પૂરા પડાશે, પરંતુ તેનો ખર્ચ સંસ્થાએ આપવાનો રહેશે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પણ આ જ રીતે પેપર મોકલવામાં આવશે. જેની જવાબદારી ડીઈઓની રહેશે.
સ્કૂલમાં લેવાનારી એકમ કસોટીનું મૂલ્યાંકન શાળા કક્ષાએ જ કરવાનું રહેશે. જ્યારે પ્રથમ અને દ્વીતિય કસોટીની ઉત્તરવહીઓ ચકાસણી માટે જે તે ક્લસ્ટરની શાળાઓમાં ઉત્તરવહીઓની વહેંચણી કરીને થર્ડ પાર્ટી ચકાસણી કરાવવાની રહેશે. રાજ્યની તમામ સ્કૂલોમાં એકમ કસોટી અને પ્રથમ તથા દ્વીતિય કસોટીનાં ગુણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરવામાં આવેલા વેબ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. આમ, વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મેળવેલા માર્ક શિક્ષણ વિભાગ પાસે પણ સચવાયેલા રહેશે.