અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાઈરસના સંકટ વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં જીત મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. ધોળકા બેઠક પર એમની થયેલી ચૂંટણીને હાઈકોર્ટે રદ્દ કરી દીધી છે.
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂકાદો આપ્યો, જે ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો છે. હાઈકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવાનો ફેંસલો સંભળાવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે અમે કાયદાકીય અપીલ કરીશું. અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતાગીરી સાથે ચર્ચા અને માર્ગદર્શન લઈ નક્કી કરવામાં આવશે.
મહત્વનું છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. તે મતગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ શરુ થયો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા જેને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. ચુડાસમાની આ જીતને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી.