ભાવનગરઃ સિંહોર તાલુકાના આંબલા ગામ નજીક અનિડા ગામથી વહેલી સવારે કોળી સમાજના એક યુવાનની નીકળેલી જાન લગ્ન સ્થળ ટાટમ પહોંચે તે પહેલા જ જાનૈયાઓને કાળ ભરખી ગયો. જાનૈયાઓને લઈને ટ્રક બોટાદના રંઘોળા પાસે રંઘોળા નદીના બ્રીજ પરથી રંઘોળા નદીમાં ખાબકી અને સુકીભટ નદીમાં ટ્રક પડતા ટ્રકમાં સવાર 60 જાનૈયાઓ પૈકી 31 લોકોના મૃત્યું થયા અને 25થી વધુ લોકો ઘાયલ થયાં છે.જેમાં ઘટનાસ્થળે જ 26ના મોત નીપજ્યાં હતાં. પોતાના લાડકવાયાને હરખભેર પરણાવવા જઈ રહેલા વરના માતાપિતા પોતાના પુત્રને ચોરીના ફેરા ફરતાં જોવે તે પહેલાં જ કાળ તેમને ભરખી ગયો અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
લગ્ન લખાઈ ગયા હતા. કંકોત્રીઓ વહેંચાઈ ગઈ હતી. સાજન માજન માંડવે રાહ જોતા હતા, કે હમણા વેવાઈ જાન લઈને આવશે. અકસ્માત બાદ જાન તો ટાટમ ગામે પહોંચી પરંતુ જાનૈયાઓ વગર… વરરાજાને આ કાળમુખી ઘટનાની જાણ નથી કરવામાં આવી અને એકદમ સાદી રીતે જાન પોંખી લેવાઈ. લગ્નના મંડપમાં તો ઢોલ શરણાઈ અને લગ્નગીતોની રમઝટ બોલાતી હોય પરંતુ કદાચ નિયતીને આ વાત મંજૂર નહી હોય. આ લગ્નમાં ન તો લગ્ન ગીતો ગવાયા, ન તો ઢોલ વાગ્યો કે પછી ન તો શરણાઈના સૂરની સાથે આનંદ અને ઉત્સાહનો માહોલ જામ્યો. તો બીજી તરફ જાનૈયાઓને જમાડવા માટે રસોઈના વિવિધ વ્યંજનો પણ તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ 30-30 જાનૈયાઓના મૃત્યુ થયા એટલા બધાં લોકો ઘાયલ થયાં અને લગ્ન મંડપમાં વરરાજાઓ તો આવ્યાં પરંતુ જાનૈયાઓ વગર. કરૂણાંતિકા પણ એવી બની હતી એવા ટાણે કોળીયા પણ કોના ગળે ઉતરે?
દીકરીના લગ્નમાં હરખભેર લોકોને જમાડવા માટે રસોઈ બનાવી હતી પરંતુ એક ગોઝારા અકસ્માતે કોઈના પ્રસંગ અને કોઈના જીવનમાં માતમ ભરી દીધો. તદ્દન સાદી રીતે વરવધુના લગ્ન કરી લેવાયાં. લગ્નના મંડપમાં અલ્પ આનંદ સાથે પારાવાર શોકનો માહોલ જોવા મળ્યો. લગ્ન મંડપમાં ઉપસ્થિત તમામ લોકોની આંખો અશ્રુ સાથે ભગવાનને ફરિયાદ કરતી જોવા મળી કે હે ઈશ્વર આ શું થયું? ટાણાંને કોઈ ટાળી શકતું નથી. અર્થાત જે ટાણે જે થવાનું હોય તે જ થાય છે. પરંતુ અહીંયા તો એક તરફ લગ્ન અને બીજી તરફ શોક. એક બે વ્યક્તિઓના જીવનની નવી શરૂઆત અને બીજી તરફ 30 જેટલી જીંદગીઓના જીવનનો અંત. આવા કરૂણ અને અસહ્ય વેદનાના ટાણે શોકગ્રસ્ત માહોલમાં લગ્ન સાવ સાદી રીતે પતાવી લેવાયા.
તસ્વીરો- ભાવનગરથી હર્ષ ધ્રાંગધ્રરિયા