કવિઓની એક રજવાડી સભા નવા ક્લેવર સાથે 40ની થઇ.. 

ભાવનગર: કલા અને સાહિત્યને પ્રોત્સાહન મળે તો જ કલાકારો અને સાહિત્યકારોને પોતાની સર્જન પ્રક્રિયામાં વેગ મળતો હોય છે,નહિતર લાંબો સમય ઉત્સાહ ટકતો હોતો નથી. રજવાડા સમયે શાસકો તે વાત સારી રીતે સમજતા હતા એટલે કવિઓ, લેખકો, કલાકારોને સતત પ્રોત્સાહન અપાતુ હતું. ભાવનગર સ્ટેટના એક સમયના મહારાજા વજેસિંહજીએ તો કવિઓ માટે એક સ્પેશિયલ દિવસ બુધવાર જાહેર કર્યો હતો. તે દિવસે ખાસ સભા યોજાતી હતી. જોકે ત્યારબાદ ક્રમશઃ તે બુધવારિયા બંગલાની વાત આગળ ચાલી ન હતી. પરંતુ 1980માં ફરી વરિષ્ઠ સાહિત્યકાર સ્વ તખ્તસિંહજી પરમારે નવા ક્લેવર સાથે સભા શરૂ કરી હતી.
કવિઓની આ બુધસભા આજ દિવસ સુધી સતત 40 વર્ષથી ચાલી રહી છે.તાજેતરમાં ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુવિહાર ખાતે 2450મી બેઠક પૂર્ણ કરી ગુજરાત રાજ્યમાં સાહિત્ય ક્ષેત્રે વિક્રમી કાર્યક્રમ યોજ્યો છે. સતત દર બુધવારે 4  દાયકાથી કવિઓ કાવ્ય પાઠ કરે છે, તે ગુજરાતી સાહિત્ય માટે વિશિષ્ટ વાત છે. આમ પણ ભાવનગર શહેરને  એક સમયે કવિઓના નગરનું બિરુદ મળેલું છે. તે સમયે એવું કહેવાતું હતું કે, નગરમાં જઈને એક પથ્થર ફેંકવામાં આવે તો તે પથ્થર ભલે ગમે તે ખોરડા ઉપર પડે પણ ત્યાંથી એક કવિ બહાર નીકળે.  બેઠક પૂર્ણ કરી ત્યારનાં આંકડા અનુસાર કુલ 38,600 કાવ્યરચનાઓ અલગ અલગ કવિઓએ પ્રસ્તુત કરી છે. તેમજ અત્યાર સુધીમાં 168 જેટલા કાવ્યસંગ્રહો પણ બહાર પડ્યા છે. તેનો પાયો બુધ સભામાં ચણાયેલો છે.
રજવાડા સમયની બુધવારિય સભા વિશે કવિ ન્હાનાલાલે નોંધ્યું છે કે, ભાવનગર પરગણાની આ વિરાસત છે. કોઈ રાજમાં સાહિત્યની આવી વિરાસત ભાગ્યે જ જોવા મળતી. અંગ્રેજ જજ ફાર્બસ પણ તેનું સંચાલન કરી ચૂક્યા છે. યુનિવર્સિટીઓમાં પદ્યરચનાઓ કે કવિતાઓ શીખવવામાં આવે તેના કરતાં અનેકગણું કામ અહીંની રજવાડી બુધવારિય સભાએ કરીને કવિઓ તૈયાર કર્યા છે.
આમ પણ લોકોને લખતા કરવા તે એક આંગળી ચિન્ધ્યાનું પુણ્ય છે. શિશુવિહારના માનદ મંત્રી નાનકભાઈ ભટ્ટે વાત કરી કે, મહારાજા વજેસિંહજીના સમયમાં શરૂઆત થઈ હતી, એ સમયે માહોલ પણ અદ્ભૂત હતો. ચારણ કવિ પાતાભાઈ જનસુધારણાના ગીતો ગાતા. જેનાથી એ બુધવારની સભા પ્રખ્યાત બની હતી. જોકે ત્યારબાદ ઓટ આવી ગઈ હતી. પરંતુ 1980થી શરુ થયેલી નવા ક્લેવર સાથેની આપણી બુધસભા કયારેય અટકી નથી અને ભવિષ્યમાં શરૂ રહીને ગિનિઝ બુક ઓફ રેકોર્ડ સુધી પહોંચવાની ગણતરી છે.