ભરૂચના યુવાનનું કેનેડામાં રોડ અકસ્માતમાં મોત

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાલિકા માતા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ઋષભ લિંબાચિયાનું કેનેડામાં ભયાનક અકસ્માતમાં મોત નિપજ્યું છે. ત્રણ વર્ષ પહેલાં અભ્યાસ માટે કેનેડા ગયેલા ઋષભ પોતાના સપનાઓને પાંખ આપવા વતનથી દૂરસ્થ રહ્યો હતો, પણ તે જીવનનું આકસ્મિક અંતિમ મંગળવાર બની જશે, તે કોણે અને કયાં વિચાર્યું હતું?

સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે વાત આખી એમ છે કે, કેનેડાના બ્રેમટન વિસ્તારમાં ઋષભ કાર ચલાવી રહ્યો હતો, ત્યારે અચાનક સામેથી આવતા ટ્રકે તેની કારને અડફેટે લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં ઘટના સ્થળે જ ઋષભનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જે જોનારના હ્રદયને હચમચાવી દે છે. આ દુઃખદ સમાચાર ભરૂચ સ્થિત ઋષભના પરિવાર સુધી પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું. માતા-પિતાએ દીકરાને વિદાય આપતા કેવો ભવિષ્ય ગોઠવ્યો હતો, એ સપનાની જગ્યા હવે પીડાના સેલાબે લઈ લીધી છે. ગામના લોકો પણ આ અણધારી દુર્ઘટનાથી દુઃખી છે. વર્તમાનમાં ઋષભના મૃતદેહને કેનેડાથી ભારત લાવવા માટે જરૂરી કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પરિવારના સભ્યો અને સ્થાનિકો દીકરાની એક ઝલક માટે કાગડોળે રાહ જોઈ રહ્યા છે.