ભાદરવી પૂનમના મેળાનો ધમધમાટ યથાવત, અંબાજીમાં ભક્તોની ભીડ ઉમટી

અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. આજે આ મેળા ચાર દિવસ પૂર્ણ થયા છે. 51 શક્તિ પીઠમાનુ મહત્વનુ ગણાતુ અંબાજી ખાતે સાત દિવસનો ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો સાત દિવસ માટે આયોજન કરવામાં આવે છે. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવવા લોકો દુરથી પગપાળા ચાલીને આવે છે.

આજે 16 સપ્ટેમ્બરના રોજ લગભગ 6.48 લાખ માઈભક્તોએ દૂરદૂરથી પગપાળા તેમજ મોટરમાર્ગે પહોંચીને મા અંબાના ચરણોમાં પોતાના શીશ ઝૂકાવ્યા હતા.જયારે ચાર દિવસમાં 16.36 લાખ માઇભક્તોએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રવિવારે 662 ધ્વજાઓ ચડાવવામાં આવી હતી. અંબાજી ભાદરવી પૂનમનો મેળો મધ્યાતરે પહોંચતા જલોતરાથી અંબાજી સુધીના માર્ગો પર પદયાત્રિકોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. ત્યારે અંબાજી દૂર હે, જાના જરૂર હેના નાદ સાથે યાત્રિકો સતત આગળ વધી રહ્યા છે. જો કે, વરસાદના વિરામ બાદ ભાદરવો આકરો તપતા પદયાત્રિકો ગરમીથી બચવા માટે છત્રીઓ માથા પર ઓઢીને ચાલતા જોવા મળ્યા હતા.

અંબાજી ભાદરવી પૂનમ મેળા દરમિયાન પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ એમ ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં રવિવાર સુધીમાં બાળ સહાયતા કેન્દ્રો પરથી પાંચ હજાર જેટલા બાળકોને તેમના નામ, સરનામાં, ઇમર્જન્સી મોબાઈલ નંબર લખીને આઈકાર્ડ પહેરાવવામા આવ્યા છે. જેની મદદથી બાળકો ગુમ થયાના કિસ્સામાં વાલી વારસાની ઝડપથી શોધ કરી શકાય છે.