ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી ગુજરાત ગ્લોબલ સમિટ 2019 યોજાવાની છે ત્યારે તેને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -2019 અંતર્ગત આગામી 18-22 જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર નજીક આવેલા એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં સૌથી મોટો ભવ્ય વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો–2019 યોજાશે. આ ટ્રેડ શોમાં 18 જેટલા વિશાળ ડોમમાં 2000 જેટલા સ્ટોલ્સ તૈયાર કરવામાં આવશે, જેમાં વિવિધ 25 જેટલા ક્ષેત્રોની 2000 થી વધુ કંપનીઓ ભાગ લેશે.
આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગોલબલ સમીટ આંતરરાષ્ટ્રિય ટ્રેડ શો અને વૈશ્વિક બિઝનેશ સમીટ હશે, જે 25 જેટલા વિવિધ ક્ષેત્રોની પ્રગતિ અને પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરાશે. વર્ષ 2003માં 3000 ચોરસ મીટર પ્રદર્શન વિસ્તારમાં 36 સ્ટોલ્સ સાથે શરૂ થયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વર્ષ 2017માં વધારીને 1,25,000 ચોરસ મીટર પ્રદર્શન વિસ્તારમાં 1000 સ્ટોલ્સનું આયોજન કરાયું હતું. આ વખતની 2019ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં 2000 થી વધુ કંપનીઓ પ્રદર્શનમાં ભાગ લે તેવી સંભાવના છે; જ્યાં તેઓને તેમનાં ઉત્પાદનો, સેવાઓ અને તેમની સાફ્લ્યગાથાઓને સમિટમાં ભાગ લેનાર વૈશ્વિક પ્રતિનિધીમંડળો સમક્ષ પ્રદર્શિત કરવા માટેનો સૌથી મોટો મંચ ઉપલબ્ધ થનાર છે.
આ ગ્લોબલ ટ્રેડ શોમાં 1.5 મીલીયનથી વધુ મુલાકાતીઓ અને 100થી વધુ દેશોના 3000 જેટલા આંતરરાષ્ટ્રિય ડીલીગેટ્સ ભાગ લેશે તેવી સંભાવના છે. આ પ્રદર્શન સ્થળે ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની કેવડિયા ખાટે પ્રસ્થાપિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવશે. સમગ્ર દેશમાંથી ખેડૂતો પાસેથી એકત્રિત કરાયેલ લોખંડમાંથી નિર્મિત આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની એકતાનું પ્રતિક છે.
19 મી જાન્યુઆરીની સાંજે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગથી મેક ઈન ઈન્ડિયા એન્ડ ખાદીની થીમ ઉપર ‘ફાર્મ ટુ ફેબ્રિક’ પર ફેશન શો યોજાશે.
અત્યાર સુધીમાં 16 ભાગીદાર દેશોને આવરી લેતું કન્ટ્રી પેવેલિયનમાં કેનેડા, ફ્રાન્સ, જાપાન, પોલેન્ડ, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ, યુ.એ.ઈ, સાઉથ આફ્રિકા, સ્વિડન, ઉઝ્બેકિસ્તાન, ચેકરીપબ્લિક, નોર્વે, ઓસ્ટ્રેલિયા અને મોરોક્કો આ વાઈબ્રન્ટ સમિટમાં જોડાશે.
વાયબ્રન્ટ ગુજરાત 2019માં નિકાસ, વેપાર અને રોકાણ ક્ષમતા ઉપર ગુજરાત સરકારના પસંદગીની વિગતો સાથેના પેવેલિયન; જેમાં, કૃષિ અને ફૂડ પ્રોસેસીંગ, ઓટોમોબાઈલ એન્ડ ઈ–મોબિલીટી, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ, ઓઇલ એન્ડ ગેસ, ફાર્માસ્યુટીકલ્સ, બાયો ટેકનોલોજી, સિરામિક્સ, એવિએશન, આઈટી એન્ડ પોર્ટ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજીસ્ટીક્સ, પાવર, રીન્યુએબલ એનર્જી, સ્ટાર્ટ–અપ્સ એન્ડ ઇનોવેશન, ટેક્ષટાઈલ્સ, ટ્રાવેલ, ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી, અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર ટ્રીટમેન્ટ એન્ડ એન્વાર્યેમન્ટ, એજ્યુકેશન, સ્કીલ ડેવેલોપમેન્ટ એન્ડ એન્જિનિયરીંગ સહિતના 25 ક્ષેત્રોનું પ્રદર્શન યોજવામાં આવશે.
ગ્લોબલ ટ્રેડ શો પ્રદર્શનનું 17 જાન્યુઆરી 2019 ના રોજ ઉદઘાટન કરવામાં આવશે. જે તારીખ 18 થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગલેનાર ઉદ્યોગકારો અને આમંત્રિતો માટે અનામત રાખવામાં આવશે. ત્યારબાદ, 20મી જાન્યુઆરીથી પ્રદર્શન તમામ મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.
ગ્લોબલ ટ્રેડ શોમાં વાઈ–ફાઈની સુવિધા લગાવવામાં આવશે. તમામ મુલાકાતીઓ અને પ્રતિનિધિઓને ઇવેન્ટ દરમિયાન વિનામૂલ્યે Wi–Fi–ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવશે. અહીં, પાંચ ફૂડ–કોર્ટ, પીવાના પાણીની વ્યવસ્થા, દરેક સ્ટ્રક્ચરમાં સીસીટીવી કેમેરા, 16 જેટલાં શૌચાલયો, 8 રજીસ્ટ્રેશન/માહિતી કાઉન્ટર, એડમિન બિલ્ડિંગ, લોન્જ, કંટ્રોલ રૂમ, કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદર્શનમાં ફરવા માટે ગોલ્ફ–કાર અને બેટરીથી સંચાલિત વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ફાયર સેફટી, સિક્યોરિટી અને સર્વેલન્સને સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ સાવચેતીપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો – 2019ના વ્યવસ્થિત આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા એક ખાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે; જેનું સંકલન પ્રવાસન વિભાગના અગ્રસચિવશ્રી અને ટ્રેડ શોના આયોજન સિમિતિના ચેરમેન એસ.જે. હૈદર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ સ્વરૂપે ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને વેપાર–વાણિજ્ય ક્ષેત્રે અને રોજગારી ક્ષેત્રે અગ્રેસર લાવવા સપનું સેવ્યુ હતુ. દર બે વર્ષે યોજાતી આ સમીટ આજે વૈશ્વિક ઓળખ બની ગઇ છે એટલું જ નહીં દુનિયાભરના દેશો આજે આ સમીટમાં સહભાગી થવા ઉત્સુક છે. નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે વૈશ્વિક અગ્રણીઓ અને ઉદ્યોગોના સંચાલકો ગુજરાતમાં મૂડી રોકાણ અંગે વ્યુહાત્મક ભાગીદારી, વેપાર અને ઉદ્યોગોમાં વિવિધ તકો વિશે વિચાર–વિમર્શ કરી શકે અને ગુજરાતમાં મૂડી રોકાણ થઈ શકે તે હેતુથી આગામી 19 જાન્યુઆરીના 2019 રોજ ‘આફ્રિકન ડે– આફ્રિકા દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે.
આ ઈવેન્ટ્સના આયોજન માટે ઈન્ડો–આફ્રિકા ચેમ્બર્સ ઑફ કોમર્સની આયોજક પાર્ટનર માટે પસંદગી કરવામાં આવી છે તેની માહિતી આપી અગ્ર સચિવ હૈદરે ઉમેર્યુ હતું કે, નવમી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દક્ષિણ આફ્રિકા અને મોરક્કો ભાગીદાર દેશ તરીકે રહેશે. ભારત તથા આફ્રિકા અને ખાસ કરીને ગુજરાત અને આફ્રિકા વચ્ચેના દ્વિ–પક્ષીય વ્યાપારીક સંબંધો વધુ ફળદાયી અને વિકસિત બને એ માટે પૂરતી તકો મળે તે હેતુથી આ દિવસે સંયુક્ત મંચ પૂરો પાડવાનો એક પ્રયાસ કરવામાં આવશે.
ભારતની સૌથી મોટી બિઝનેસ સમિટમાં પ્રથમવાર આફ્રિકા ખંડના બે દેશો દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે રહેશે તેમ જણાવતા હૈદરે જણાવ્યુ હતુ કે, કુદરતી સંપત્તિથી સમૃદ્ધ અને ઝડપથી વિકસી રહેલા આફ્રિકન ખંડના ઉભરી રહેલા મહત્વને દર્શાવે છે. આ સમિટમાં બંન્ને દેશો તેમના પ્રતિનિધિ તરીકે વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના પ્રધાનો – અધિકારીઓ મોકલશે. જેની સાથે સ્થાનિક વેપાર ઉદ્યોગ–ગૃહના ઉદ્યોગપતિ પણ રહેશે. પ્રતિનિધિ મંડળમાં ઉદ્યોગ, મૂડીરોકાણ, વેપાર અને ડીજીટલ ઈકોનોમીના પ્રધાનના નેતૃત્વમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગકારો તેમજ ઉર્જા, ખાણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. વધુમાં આ પ્રતિનિધિ મંડળમાં ફેડરેશન ઑફ ઈજીપ્શિઅન ઇન્ડસ્ટ્રીઝ (FEI), ઈજિપ્તના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર; ‘ઇન્વેસ્ટ સાઉથ આફ્રિકા’ના વડા અને નવી દિલ્હી ખાતેના વિવિધ આફ્રિકન દેશોના રાજદૂતો અને ઉચ્ચ આયુક્તો જોડાશે. સમગ્ર આફ્રિકન ખંડના દેશો ઉપરાંત અન્ય દેશો પણ ‘આફ્રિકન ડે’ ઈવેન્ટમાં હાજર રહેશે.