અમદાવાદમાં સવા બે લાખ રિક્ષાના પૈડાં થંભી ગયાં, બંધને મિશ્ર પ્રતિસાદ

અમદાવાદ- શહેરમાં આજે રિક્ષાચાલકોના સાત અલગ અલગ એસોસિએશન દ્વારા રિક્ષાની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે અપૂરતા રિક્ષા સ્ટેન્ડ અને ટ્રાફિક પોલીસની હેરાનગતિ બાબતે વિરોધ દર્શાવવા એક દિવસની હડતાળ જાહેર કરવામાં આવી હતી. આજે સવારથી રીક્ષા ચાલકો બંધમાં જોડાયા હતાં તો કેટલાક વિસ્તારોમાં હડતાળનો ફિયાસ્કો પણ જોવા મળ્યો હતો.

શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે હાઈકોર્ટની ટકોર બાદ ટ્રાફિક વિભાગ સક્રીય બન્યું છે, ત્યારે તેનો સૌથી વધુ ભોગ રીક્ષા ચાલકો બન્યા છે. શહેરમાં માત્ર 2100 રીક્ષા માટે જ સ્ટેન્ડ આવેલા છે. જેની સામે શહેરમાં 2 લાખથી વધારે રીક્ષાઓ છે. રીક્ષા સ્ટેન્ડ વધારવાની માંગણી તથા નવી રીક્ષાઓને પરમીટ બંધ કરવાની માંગણીને લઇને આજે રીક્ષા ચાલકો દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત ડિજિટલ મીટરનો કાયદો લાવવાની પણ માંગ કરવામાં આવી છે.

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવાના હાઈકોર્ટના આદેશનું જુદી રીતે અર્થઘટન કરી ઓટોરીક્ષા ચાલકોને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેને લઈને રીક્ષા ચાલકોના એસો. દ્વારા સોમવારે શહેરના ઓટોરીક્ષાચાલકો બંધ પાળી વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો હતો

સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા રીક્ષા ચાલકોની વાત ન સાંભળતા રીક્ષા ચાલકોમાં રોષની લાગણી ઉભી થઈ છે.

ઉલ્લેખનીય છે કે, રીક્ષાચાલકોની હડતાળને પગલે એરપોર્ટ, રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ પર મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]