ડીસા-શક્કર ટેટીના વેચાણ માટે બહાર જવું પડતું નથી. જમ્મુ કશ્મીર, રાજસ્થાન અને દેશના જુદા જુદા રાજયોમાં આ ટેટીની નિકાસ કરવામાં આવે છે. બહારના રાજયોમાં નિકાસ થતી હોવાથી ભાવ પણ સારા મળે છે. આમ તો બાગયતી ખેતી લીલાછમ્મ વિસ્તારોમાં જ થાય છે પરંતુ ડીસા તાલુકાની જમીન શક્કરટેટીને સારી માફક આવે છે એટલે આટલું માતબર ઉત્પાદન મેળવી શકાયું છે.
ખેતાજી સોલંકીએ માત્ર સાત ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે પરંતુ મોબાઇલ એપ્લીકેશન અને કૃષિના તજજ્ઞોના સંપર્કમાં રહેતા હોવાથી તેમણે બાગાયત ખેતીમાં મહારત હાંસલ કરી છે. ફક્ત સાત વીઘા જમીન ધરાવતા શ્રી ખેતાજીએ તેમની જમીનમાં રૂ. ૧ લાખ ૨૧ હજારનો ખર્ચ કરી રૂ. ૨૧ લાખની કમાણી કરી છે. માત્ર સાત વીઘા જમીનમાંથી અંદાજે ૧૪૦ ટન જેટલી શક્કર ટેટીનું ઉત્પાદન કર્યું છે એટલું જ નહીં પરંતુ ઉચ્ચ ગુણવતાવાળી ટેટીથી ઊંચા ભાવ પણ મેળવ્યા છે. ગોલ્ડન ગ્લોરી નામની શક્કર ટેટીનું વાવેતર કર્યુ હતું.
ખેતાજીને બાગાયત વિભાગની ૨૨,૦૦૦ની સબસિડી પણ મળી છે. તેમણે જણાવ્યું કે ઇફકો, બાગાયતના અધિકારીઓના માર્ગદર્શનથી અને જૈવિક ખાતરોના ઉપયોગ થકી આટલું સારું ઉત્પાદન લઇ શકાયું છે. મેં આડેધડ રાસાયણિક ખાતરોનો વપરાશ કરી જમીન બગડે તેવો ધંધો કર્યો નથી. છાણ, ગૌમૂત્ર જેવા સેન્દ્રીય ખાતરોનો વધુ ઉપયોગ કર્યો છે જેથી યુરીયા અને ડીએપીની પણ જરૂર પડી નથી. ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવી શકાય તે માટે ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી જ ખેતી કરીએ છીએ.
તેમના ફાર્મ પર સોલાર લાઇટ પણ છે જેનાથી ટ્યુબવેલ ચાલે છે અને સિંચાઇ પણ થાય છે. આ વ્યવસ્થા ગોઠવવા સરકારી સહાયપેટે રૂ.૧૦ લાખનો ખર્ચ કરાયો છે જેમાં ખેતાજીએ ૩૭,૫૦૦નો જ ખર્ચ કર્યો છે. બાકીનો તમામ ખર્ચ સહાયરૂપે આપવામાં આવ્યો છે. સોલાર પેનલની ટ્યુબવેલથી દિવસે જ પાણી અપાય છે એટલે રાત્રે ઉજાગરા કરવા પડતા નથી અને કંઇ લાઇટબિલ પણ ભરવું પડતું નથી. ખેતાજીએ અન્ય ખેડૂતોને પણ આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.