વાલીઓને ઝાટકોઃ ગુજરાતમાં ખાનગી શાળાઓ સુવિધાના નામે ફી વસૂલી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી-અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે ફી નિયમન અંગે ચૂકાદો આપ્યો છે કે ખાનગી શાળાઓ સુવિધાઓના નામે ફી વધારીને લઈ શકે છે, આથી સરકાર અને વાલીઓને ઝાટકો લાગ્યો છે. તે સાથે એમ પણ કહ્યું છે કે સરકારને કાયદો ઘડવાનો અધિકાર છે. શાળા સંચાલકો અને સરકાર સાથે બેસીને ચર્ચા કરે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણની સુવિધા વધુ આપે તે શાળાઓ ફી વધુ લઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી હવે જુલાઈના બીજા સપ્તાહમાં હાથ ધરાશે.

રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલાં ફી નિયમન કાયદાની વિરુદ્ધ રાજ્યની સ્કૂલોના સંચાલકો હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયાં છે. આ બાબતે સુપ્રીમ કોર્ટ આજે મહત્વનો ચૂકાદો આપી દીધો છે. અગાઉ બે વખત અંતિમ ચૂકાદાની તારીખ નક્કી થયા બાદ રાજ્ય સરકારે સમય માગતા અતિમ સુનાવણી માટે 25મી એપ્રિલ નક્કી કરી હતી.

ફી મુદ્દે ખાનગી શાળા સંચાલકોનો લડાયક મિજાજ

ફી નિયમન બાબતે હાઈકોર્ટમાં હાર મળ્યા બાદ શાળાના સંચાલકો સુપ્રીમ કોર્ટમાં ગયા છે. ચૂકાદો પોતાના તરફી આવે તે માટે સ્કૂલના સંચાલકોએ કરોડો રુપિયાની ફી ખર્ચી દેશના ખ્યાતનામ વકીલોની ફોજ રોકી છે. આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર જે સ્કૂલના સંચાલકોએ ફીની દરખાસ્ત રજૂ નથી કરી તેની યાદી સોંપી સોંપશે, તો બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા કમિટી નક્કી કરતી વખતે સરકારે તેમને સાંભળ્યા ન હતાં તેવી દલીલ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટ તરફથી સરકારની નવી ફી કમિટી અને નવી ફી મર્યાદા નક્કી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આજે ગુજરાત સરકાર સ્કૂલોની યાદીની સાથે સાથે ફીની વિગતો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરે તેવી શક્યતા છે.

ફી કમિટીની શાળા સંચાલકોને લહાણી

ફી નિયમન કાયદા બાદ રચવામાં આવેલી ફી નિયમન કમિટીએ  અમદાવાદની વિવિધ સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. આ ફી ખૂબ જ ઊંચી હોવાને કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીમંડળ તરફથી રજૂઆત કરવામાં આવી છે કે શાળા સંચાલકોએ જેટલી ફી માંગી તે ફી કમિટિીએ મંજૂર કરી દીધી છે.