બનાસકાંઠાના વાવની પેટાચૂંટણી જાહેર, 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી

અમદાવાદ: ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણીની તારીખોની સાથે મત ગણતરીની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આગામી 13 નવેમ્બરે મતદાન યોજાશે જ્યારે 23 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.

 

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા. જેથી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. નિયમ મુજબ રાજીનામાના છ મુજબ ખાલી પડેલી સીટ પર ચૂંટણી યોજવી ફરજિયાત છે. જેથી આજે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખોની સાથે વાવની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે, જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત કે.પી ગઢવીનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે, જેઓ અત્યાર સુધી ચૂંટણી લડ્યા નથી. પરંતુ છેલ્લા 40-45 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. 2005 માં કેન્દ્ર સરકારની ટેલિકોમ એડવાઇઝરી કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત વાવ-થરાદ બાર એસોસિએશનના પ્રમુખ છે. આ ઉપરાંત તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ વાવ-વાવ તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અને ત્રીજું નામ ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.