ગોધરામાં ATSનું સર્ચ ઓપરેશન, 25 દિવસ પાકિસ્તાનમાં રોકાયેલા શખ્સોની પૂછપરછ

પંચમહાલના ગોધરાના કેટલાક શખ્સો 25 દિવસ પાકિસ્તાનથી રોકાઈને ગુજરાત પરત ફર્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ ગોધરામાં સ્થાનિક પોલીસ અને ATS દ્વારા સહિયારુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ગોધરામાંથી શંકાસ્પદ શખ્સોને ATSએ દબોચીને એસપી કચેરી ખાતે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરામાં એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ગોધરામાં સર્ચ હાથ ધર્યું હતું. જેમાં ગોધરાના લધુમતી વિસ્તારમાંથી શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી. જે બાદ ગોધરાની એસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ ત્રણેય શખ્સો 25 દિવસ પાકિસ્તાનમાં રોકાઈને પરત આવ્યા હતા. જ્યાં શંકાસ્પદ શખ્સોની પાંચ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછના અંતે ત્રણેય શંકાસ્પદ શખ્સોને ATSની ટીમ દ્વારા અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા છે. જ્યાં ચોકાવનારા ખુલાસાઓ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

પંચમહાલના ગોધરા શહેરમાં વહેલી સવારથી ગુજરાત એટીએસની ટીમે ધામા નાખ્યા હતા. જેમાં પોલીસે માજ ઉસ્માની, અબ્દુલ ઉસ્માની અને મહમદ હનીફની અટકાયત કરી ગોધરા એસપી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નાઝ ઉસ્માની, અબ્દુલ ઉસ્માની બંને ભાઈઓની અગાઉ પણ એટીએસની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત એટીએસની ટીમે આ ત્રણેય ઈસમોની વધુ પૂછપરછ માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદને અડીને આવેલા સાણંદમાં 6 દિવસ પહેલાં મદરેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ સાથેના કનેકશનને લઈ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે બાદમાં આદિલને છોડી મૂકવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસને તેના પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.