અમદાવાદઃ રાજયમાં આશરે 10 લાખ વિદ્યાર્થીઓ નવ એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATSએ હાલ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત ATSએ આરોપીઓ પાસેથી પેપર ખરીદનારા 30 જેટલા પરીક્ષાર્થીઓની પણ ઝડપી પાડ્યા છે.
પેપર લીકના મુખ્ય આરોપી ભાસ્કર ચૌધરીની વડોદરાની સ્ટેકવાઇઝ ટેકનોલોજી ઓફિસ પર દરોડા પાડીને તેની ઓફિસમાંથી તથા આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી એજન્ટોનાં વાહનોમાંથી આ ધરપકડ કરેલા પરીક્ષાર્થીઓના 29 જાન્યુઆરી 2022એ લેવાનાર જુનિયક ક્લાર્કની પરીક્ષાના કોલલેટર, કોરા ચેક, અસલ સર્ટીફિકેટ તથા અન્ય દસ્તાવેજો મળી આવ્યા હતાં.
આ ધરપકડ કરાયેલા પરીક્ષાર્થીઓની વધુ પૂછપરછ કરતાં પરીક્ષાર્થીઓને વડોદરામાં સ્ટેકવાઈઝ ટેકનોલોજી ઓફિસ ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષાની આગળની રાત્રે પરીક્ષામાં પુછાનાર પ્રશ્નોની વિગતો આપવામાં આવનારી હતી. જેના બદલામાં તેઓ દ્નારા પેપરલીકના આરોપીઓને 12થી 15 લાખ રૂપિયા આપવાના નક્કી કરવામાં આવ્યું હતું. પોલીસે 30 પરીક્ષાર્થીઓની ધરપકડ કરી છે. પોલીસે બાકી રહેલા પરીક્ષાર્થીઓની ધરપકડ કરવાની બાકી છે.
હસમુખ પટેલે જૂનિયર ક્લાર્કની પરીક્ષા મુદ્દે કહ્યું હતું કે પરીક્ષામા હાજર રહેનાર સ્ટાફને તાલીમ આપવામાં આવે છે. ગેરરીતિ અટકાવવા બાબતનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેથી ભવિષ્યમાં ઉદાહરણ રૂપ કિસ્સામાં 5થી 10 વર્ષ સુધીની સજા અપાવીશું.