મનોદિવ્યાંગ કલાકારોએ હનુમાન ચાલીસા રજૂ કરી

અમદાવાદઃ શહેરના ગુજરાત સાહિત્ય પરિષદના ઓડિટોરિયમમાં ‘સ્વરાંકન મ્યુઝિકલ ફ્રટરનિટી’ એ નિજાનંદ માટે ગીતો ગાનારાં અને સંગીતને જ કેરિયર બનાવવા ઇચ્છુક લોકોનો એક કાર્યક્રમ યોજ્યો હતો. સંગીત ક્ષેત્રે એક નવી જ તકો લઇને આવેલા ‘સ્વરાંકન મ્યુઝિકલ ફ્રટરનિટી’ ના ઉદઘાટન પ્રસંગે શહેરની નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોએ હનુમાન ચાલીસાને એક અલગ જ અંદાજમાં સ્ટેજ પર રજૂ કરી હતી.

નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલાં દિવ્યાંગ બાળકો એ વિવિધ જગ્યાઓએ પચાસ વખત હનુમાન ચાલીસા પર પર્ફોર્મન્સ રજૂ કર્યું છે. સ્વરાંકનના મંચ પર હનુમાન ચાલીસા રજૂ કરી દિવ્યાંગ બાળકોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સ્વરાંકનના સંચાલક સંદીપ ત્રિવેદી ચિત્રલેખા.કોમને કહે છે સંગીતની આ બિરાદરીની શરૂઆત દિવ્યાંગ બાળકોને સ્ટેજ પર હનુમાન ચાલીસા સાથે કરાવવાથી અગ્રણી કલાકારો અને સંગીતપ્રેમીઓ ખૂબ જ ખુશ થયા. આગામી દિવસોમાં સ્વરાંકન સંગીતની સાથે અન્ય કાર્યક્રમો કરશે ત્યારે સમાજના જુદા-જુદા વર્ગના લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવા પ્રયાસ કરશે. દિવ્યાંગ કલાકારોની તમામ મ્યુઝિકલ એક્ટિવિટી નિ:શુલ્ક રહેશે.

સ્વરાંકન એ સંગીતપ્રેમીઓ માટે એક ઉમદા પ્રવૃત્તિ તો છે જ પણ આ સાથે ભવિષ્યમાં ડાન્સ, એક્ટિંગ, સ્ક્રિપ્ટ રાઇટિગ અને વોઇસ ઓવર જેવાં અનેક પાસાંઓ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)