અમદાવાદ- અમદાવાદ શહેરનો એક તરણ ખેલાડી હોંગકોંગ એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યો છે. અમદાવાદના કમિશનર વિજય નહેરાના પુત્ર આર્યને આ સિદ્ધિ મેળવતાં તેમના વિભાગ સહિત રમતપ્રેમીઓ દ્વારા આ સિદ્ધિને બિરદાવવામાં આવી રહી છે.ફાઇલ તસવીર
ગુજરાતી સ્વિમર આર્યન વિજય નહેરા ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિજેતા નીવડ્યાં છે. આર્યને આ અંતર ૧૫:૪૮ :૦૬ સમયમાં પૂર્ણ કર્યુ હતું. આર્યનને સરકારની ‘શક્તિદૂત’ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રૂ.૩૩ લાખથી વધુની નીડબેઝ સહાય આપવામાં આવી હતી.
પ્રતિભાશાળી રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે નીડબેઝ સહાય આપતી ફ્લેગશિપ ‘શક્તિદૂત યોજના’ અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત આર્યન નહેરાની ઓલમ્પિક ટાર્ગેટેડ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. આર્યનને વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીમાં રૂપિયા ૩૩.૬૬ લાખની નીડબેઝ સહાય અને ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત રૂપિયા ૩૫ હજારના રોકડ પુરસ્કાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
૧૪ વર્ષની નાની ઉંમરમાં ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઇલ ઈવેન્ટ ૧૬ મિનિટમાં પૂર્ણ કરી હોય તેવા આર્યન પ્રથમ ભારતીય ખેલાડી છે. આ અગાઉ ભારતના અન્ય સ્વિમર સજજન પ્રકાશનો ઓપન એજ કેટેગરીની ૧૫૦૦ મીટર ફ્રી સ્ટાઈલ ઇવેન્ટમાં ભારતમાં નેશનલ રેકોર્ડ ૧૫:૪૫નો છે. જેનાથી આર્યન ત્રણ સેકેન્ડ જ દૂર છે. આ અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૭માં ઉઝબેકિસ્તાન ખાતે યોજાયેલી ૯મી એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં પણ આર્યન નેહરાએ ૨ બ્રોન્ઝ મેડલ જીતી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કર્યું હતું.