ગાંધીનગર– ગુજરાત ઊર્જા વિકાસ નિગમના કર્મચારીઓ માટે આજે રાહતના સમાચાર આવ્યાં છે. ગુજરાતની વીજ કંપનીઓના 48,000 અધિકારી-કર્મચારીઓને સાતમા પગાર પંચ અંતર્ગત પગાર તફાવતની રકમની ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના કર્મચારીઓને ૧/૮/૨૦૧૭થી નવા પગાર ધોરણ મુજબ પગાર ચૂકવાય છે, પરંતુ તા.૧/૧/૨૦૧૬થી તા.૩૧/૭/૨૦૧૭ એટલે કે કુલ ૧૯ માસના પગારના એરીયર્સની રકમ ચૂકવવામાં આવશે. જેનો લાભ ૪૮,૦૦૦ થી વધુ અધિકારી-કર્મચારીઓને મળશે જેના કારણે વિવિધ વીજ કંપનીઓને રૂ.૫૨૧ કરોડનું વધારાનું ભારણ આવશે.
રાજ્ય સરકાર દ્વારા અધિકારી-કર્મચારીઓને એરીયર્સની ચૂકવણી કરાઈ હતી તે મુજબ જ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં આ એરીયર્સની રકમ ચૂકવાશે. તદ્અનુસાર પ્રથમ હપ્તો જુલાઈ-૨૦૧૮ બીજો હપ્તો સપ્ટેમ્બર-૨૦૧૮ અને ત્રીજો હપ્તો નવેમ્બર-૨૦૧૮માં એમ ત્રણ સરખા હપ્તામાં એરીયર્સની રકમ ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની સલગ્ન કંપનીઓ પગાર ભથ્થાની ચૂકવણી તેમના સ્વભંડોળમાંથી કરે છે.