ગુજરાતઃ માફી યોજનાના ફેરફારોનો લાભ કોને કોને મળશે ?

ગાંધીનગર– કાયમી ધોરણે વીજ જોડાણો બંધ થયેલા હોય તેવા ગ્રાહકો માટેની માફી યોજનાની મુદત ઊર્જા વિભાગ દ્વારા વધારવામાં આવી છે. યોજનાની મુદત તા.૩૦/૯/૨૦૧૮ સુધી લંબાવાઈ છે.હવે યોજના હેઠળ ૩૧મી મે, ૨૦૧૮ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણોને પણ લાભ મળશે જેનું વીજ કંપનીઓને રૂ.૬૭ કરોડ જેટલું ભારણ પડશે. કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણોના ધરાવતા ગ્રાહકોને પુનઃ વીજ જોડાણ મળી રહે તેમજ ખેડૂતો ઉપરાંત જાહેર ટ્રસ્ટો અને સ્ટ્રીટ લાઈટને પણ યોજનાનો લાભ મળે તે હેતુથી માફી યોજનામાં ફેરફાર કરી મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  ખેડૂતલક્ષી હિતને ધ્યાને લઈ આ યોજનામાં ફેરફાર કરી મુદત પણ વધારવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા ખેડૂતો માટે સ્‍કાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. સ્‍કાય યોજનાનો લાભ કાયમી ધોરણે જેમના વીજ જોડાણો બંધ થયેલ છે તેવા ખેડૂતો પણ લઇ શકે તે માટે પણ ૩૧/૫/૨૦૧૮  સુધીમાં કાયમી ધોરણે બંધ થયેલ ખેતી વિષયક વીજ જોડાણો ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા રાજ્ય સરકારે નક્કી કર્યું છે. ઉપરાંત જાહેર હેતુ માટે વીજ જોડાણનો ઉપયોગ થતો હોય તેવા સ્‍ટ્રીટ લાઇટ અને જનરલ લાઇટીંગ પરપઝ (જી.એલ.પી.) ટેરિફ હેઠળના ટ્રસ્‍ટ અને જાહેર સંસ્‍થાઓના વીજ જોડાણોને પણ યોજનામાં સમાવિષ્‍ટ કરવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે સ્‍ટ્રીટ લાઇટ અને જનરલ લાઇટ પરપઝ (જી.એલ.પી.) ટેરિફ પ્રમાણે બિલ ભરતા વીજ ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળશે અને આ પ્રકારના ગ્રાહકો બીલની મૂળ રકમ ભરપાઇ કરે તો વ્‍યાજમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે.

આ યોજના હેઠળ અગાઉની તા. ૩૧/૮/૨૦૧૭ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોના સ્‍થાને  તા. ૩૧/૫/૨૦૧૮ સુધીમાં કાયમી ધોરણે રદ થયેલા વીજ જોડાણો ધરાવતા વીજ ગ્રાહકોને લાભ મળશે અને યોજનાની મુદ્દત  તા. ૨૪/૭/૨૦૧૮ના રોજ પૂર્ણ થાય છે તેને તા.૩૦/૯/૨૦૧૮ સુધી વધારવામાં આવી છે.

તા. ૩૧/૫/૨૦૧૮ સુધીના તમામ કાયમી ધોરણે રદ થયેલ વીજ જોડાણોને આ યોજનાનો લાભ આપવાથી વીજ કંપનીઓને અંદાજિત રૂા.૬૪.૫૨ કરોડની રકમ માફ કરવાની થશે. જયારે સ્‍ટ્રીટ લાઇટ અને જાહેર હેતુ માટેના જોડાણોને આ યોજનાનો લાભ આપવાથી વીજ કંપનીઓને અંદાજિત રૂા. ૨.૨૫ કરોડની રકમ માફ કરવાની થશે.