નવી બે મેડિકલ કોલેજોમાં MBBSની 300 બેઠકો મંજૂર, પ્રવેશ માટે…

0
2307

ગાંધીનગર– નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ તબીબી શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે આરોગ્યનીતિ-૨૦૧૬ અમલી બનાવી છે. આ નીતિ હેઠળ ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજો સ્થાપવા માટે પ્રોત્સાહક યોજના જાહેર કરી હતી તે અંતર્ગત રાજ્યમાં નવી ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવા માટે વિદ્યાર્થી દીઠ અને MBBSની બેઠક દીઠ, પાંચ વર્ષ સુધી દર વર્ષે  રૂા.૧૫ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજોને આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે વિસનગર અને નડિયાદની બે નવી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ માટે MBBSની કુલ ૩૦૦ બેઠકોને મંજૂરી આપી છે. આ સાથે રાજ્યમાં કુલ ૪૪૫૦ બેઠકો ઉપલબ્ધ થશે. આ બેઠકો પર આ વર્ષ થી જ પ્રવેશ આપવામાં આવશે.  જેના કારણે ૩૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવાની તક મળશે અને રાજ્યમાં ભવિષ્યમાં ડૉક્ટરોની સુવિધા પણ  ઉપલબ્ધ થશે.

નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું કે, નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર તથા ધર્મસિંહ દેસાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ કોલેજ, નડીયાદ ખાતે આ વધારાની ૩૦૦ બેઠકો ઉપલબ્ધ થતાની સાથે જ રાજ્ય સરકારની ગ્રીનફીલ્ડ કોલેજોના નિર્માણની નીતિ અન્વયે આ બંને સ્થળોએ ૩૦૦-૩૦૦ પથારીની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ પણ ઉપલબ્ધ થશે. જેના કારણે દર્દીઓને ઘરઆંગણે ઝડપથી સારવાર મળતી થશે. આ બેઠકોને મંજુરી માટે છેલ્લા એક વર્ષથી પ્રક્રિયા ચાલતી હતી જેને મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા અંતે મંજૂરી આપી દેવાઇ છે જેના પર આ વર્ષે ૨૦૧૯-૨૦થી  પ્રવેશ આપવામાં આવશે.

આ ઉપરાંત અમરેલી અને અમદાવાદની એક એક ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજોમાં પણ ૩૦૦ બેઠકોની મંજૂરી માટે પ્રક્રિયા હેઠળ ઇન્સ્પેક્સનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે જેથી વધારાની બીજી ૩૦૦ બેઠકોની મંજૂરી પણ ટૂંક સમયમાં મળે તેવી શક્યતા છે.