રાજ્યમાં હજી એક ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે આ અનુભવ આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. જોકે ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં ઠંડીનો એક રાઉન્ડ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હાલ ગરમીમાં વધારો થયો છે, એમ હવામાન વિભાગે કહ્યું હતું.

હવામાન વિભાગે આ અંગે આગાહી કરતાં જણાવ્યું હતું કે ઠંડીનું પ્રમાણ ફેબ્રુઆરી સુધી રહેશે અને માર્ચથી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતિમ ભાગથી ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને ગરમીનું જોર વધવાનું શરૂ થશે.

રાજ્યના દ્વારકા જિલ્લાના હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખંભાળિયા તેમ જ ભાણવડ પંથકના ઘણા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસનો કેર જોવા મળ્યો છે. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ છે. રાજ્યના હાઇવે પર ગાઢ ધુમ્મસને લીધે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દ્વારકામાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ જિલ્લામા ગાઢ ધુમ્મસે સફેદ ચાદર ઓઢી હોય તેવાં દ્રશ્યો સર્જાયાં છે.

જોકે ધુમ્મસને પગલે કચ્છમાં પણ ઠંડી સાવ નહીંવત્ થઈ છે. રાજ્યમાં હાલ ડબલ ઋતુનો મારો ચાલી રહ્યો છે. બપોરે તાપમાન વધતા ગરમી અનુભવવામાં આવી રહી છે, જ્યારે સવારે અને સાંજથી તાપમાનમાં ઘટાડો અનુભવવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. રવિવારે અમદાવાદનું તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે જ નલિયાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ અને વડોદરામાં પણ તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે રવિવારે કચ્છના તો આજે દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો છે.