આવતીકાલે દક્ષિણ ગુજરાતના 400થી વધુ CNG પંપ ધારકોની હડતાળ

ગુજરાતના CNG પંપ માલિકોની હડતાળને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આવેલા 400થી વધારે CNG પંપ આવતીકાલે બંધ રહેશે. ગેસ કંપની દ્વારા સીએનજી પંપ સંચાલકોની માંગ સંતોષવામાં ન આવતા CNG પંપ સંચાલકોએ આવતીકાલે હડતાળનું એલાન કર્યું છે.

CNG પંપધારકો લડી લેવાના મૂડમાં
સીએનજી પંપ સંચાલકો દ્વારા છેલ્લા દોઢેક વર્ષથી કમિશન રૂ1.25થી વધારવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ કંપની ટસની મસ થતી નથી. ત્યારે હવે CNG પંપધારકોએ ગેસ કંપની સામે બાંયો ચઢાવી છે.

CNG પંપ 24 કલાક માટે રહેશે બંધ
દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ સંચાલકો દ્વારા એક દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેથી આવતીકાલે દક્ષિણ ગુજરાતના તમામ CNG પંપ બંધ રહેશે. આવતી કાલે દક્ષિણ ગુજરાતના 400 જેટલા CNG પંપ 24 કલાક માટે બંધ રહેશે.

શું છે સમગ્ર મામલો?
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા વર્ષ 2017માં એગ્રીમેન્ટ કર્યા પછી પણ માર્જિન-કમિશનમાં વધારો કરવામાં ન આવતા પંપ સંચાલકો આ મામલે હડતાળ પાડી ગેસ પુરવઠો બંધ રાખશે. CNGનું માર્જિન કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી થતું હોય છે. જે દર બે વર્ષે CNG કંપની અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રિટેલ એગ્રીમેન્ટ રીન્યુ કરવાના સમયે વેપારમાં થતાં ખર્ચને ધ્યાનમાં લઈને વધારવામાં આવે છે. માર્જિનમાં આ વધારો છેલ્લે 2017માં એગ્રીમેન્ટ સમયે કરાયો હતો. ત્યારબાદ આજ સુધી વધારો કરાયો નથી. પેટ્રોલિમય મિનિસ્ટર દ્વારા 01.12.2021થી માર્જીન વધારવાનો નિર્દેશ હોવા છતાં અત્યાર સુધી કંપનીઓને વારંવાર રજૂઆત કરવા છતાં માર્જીન વધારવામાં આવ્યું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]