અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની સાથે-સાથે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. ગુજરાતે પાંચ વિધાનસભાની સીટોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ચાર વિધાનસભ્યોને ભાજપે ટિકિટ આપી દીધી છે. એ સાથે અપક્ષ વિધાનસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં થનારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપમાં ઉમેદવારોની યાદી જારી કરી દીધી છે. ભાજપે વિજાપુરથી ચતુરસિંહ જાવંજી ચાવડા, પોરબંદરથી અર્જુનભાઈ દેવભાઈ મોઢવાડિયા, માણાવદરથી અરવિંદભાઈ જિનાભા લાડાણી, ખંભાતથી ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર સિંહ રાણુભાને ટિકિટ આપી હતી.
આ યાદી મુજબ વિજાપુરથી સી. જે. ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખંભાતથી ચિરાગ પટેલ ભાજપના ઉમેદવાર બનશે. તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ચૂંટણી લડશે. જ્યારે માણાવદરથી અરવિંદ લાડાણીને પસંદ કરવામાં આવ્યા છે. વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે.
લોકસભાની ચૂંટણી નજીક આવતા જ વિરોધ પક્ષના કેટલાક ધારાસભ્યો એ કેસરી ખેસ પહેરી લીધો હતો જેમને પેટા ચૂંટણીમાં ટિકિટો મળી ગઈ છે. ભાજપે કોંગ્રેસમાંથી સૌથી મોટી વિકેટ ખેરવી તે ખેલાડી અર્જુન મોઢવાડિયા હતા. તેઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસની નીતિ બરાબર ન હતી તેમ કહીને માર્ચના પ્રથમ સપ્તાહમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.
વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ 21 ફેબ્રુઆરીએ પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તેમણે એ સમયે કહ્યું હતું કે રામ મંદિર અને પીએમ નરેન્દ્ર મોદીના કામથી પ્રભાવિત થઈને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.